Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
17 verses
1તૂરના રાજા હીરામે દાઉદ પાસે એલચીઓ મોકલ્યાં અને તેમની સાથે મહેલ બાંધવા માટે ગંધતરુનું લાકડું, કડીયાઓ અને સુથારો મોકલી આપ્યા.
2હવે દાઉદને ખાતરી થઇ ગઇ કે, યહોવાએ તેને ઇસ્રાએલના રાજા તરીકે સ્થાપ્યો છે અને પોતાના ઇસ્રાએલી લોકો માટે થઇને તેના રાજ્યને મહાન બનાવે છે.
3યરૂશાલેમમાં દાઉદે વધારે પત્નીઓ કરી અને તેને વધુ પુત્રપુત્રી જન્મ્યાં.
4તેને યરૂશાલેમમાં થયેલા બાળકોનાં નામ આ પ્રમાણે છે; શામ્મુઆ, શોબાબ, નાથાન, સુલેમાન,
5યિબ્હાર, અલીશૂઆ, એલ્પેલેટ,
6નોગાહ, નેફેગ, યાફીઆ,
7અલીશામા, બએલ્યાદા અને અલીફેલેટ.
8જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે હવે દાઉદનો સમગ્ર ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો છે, ત્યારે તેઓ ભેગા મળીને તેની શોધમાં નીકળી પડ્યા. દાઉદે જ્યારે આ વિષે સાંભળ્યું ત્યારે તે તેમનો સામનો કરવા નીકળી પડ્યો.
9પલિસ્તીઓએ આવીને રફાઇમની ખીણમાં જમાવટ કરી.
10દાઉદે દેવની સલાહ લીધી, “હું પલિસ્તીઓ પર હુમલો કરુ? તું તેમને મારા હાથમાં સોંપી દેશે?”યહોવાએ જવાબ આપ્યો, “હુમલો કર. હું તેઓને તારા હાથમાં સોંપી દઇશ.”
11આથી દાઉદે બઆલ-પરાસીમ આગળ તેમના પર હુમલો કરી તેમને હરાવ્યા. દાઉદે કહ્યું, “જેવી રીતે પાણી ભંગાણ પાડે તેમ દેવે મારા દુશ્મનોમાં ભંગાણ પાડ્યું છે” તેથી તે જગ્યાનું નામ ‘બઆલ-પરાસીમ’ રાખવામાં આવ્યું.
12પલિસ્તીઓ તેમની મૂર્તિઓને પાછળ મૂકીને ચાલ્યા ગયા હતા, દાઉદની આજ્ઞાથી તે બધી મૂર્તિઓ બાળી નાખવામાં આવી.
13પલિસ્તીઓએ ફરી ખીણમાં જમાવટ કરી.
14દાઉદે ફરીથી દેવની સલાહ લીધી અને દેવે જવાબ આપ્યો, “આગળથી તેમની પર હુમલો કરીશ નહિ, પરંતુ ફરીને તેમની પાછળ જઇ મેંદીના છોડ નજીક હુમલો કરજે.
15જ્યારે તું છોડને મથાળે પગરવ જેવો અવાજ સાંભળે ત્યારે તું હુમલો કરજે, કારણ, એ દેવ તારી આગળ પલિસ્તીઓની સૈનાને હરાવવા માટે નીકળી પડ્યો હશે.”
16દાઉદે દેવની સલાહ પ્રમાણે કર્યુ અને તેણે ગિબયોનથી ઠેઠ ગેઝેર સુધી પલિસ્તીઓના લશ્કરને હાંકી કાઠયુ.
17દાઉદની ખ્યાતિ સર્વત્ર પ્રસરી ગઇ અને યહોવાએ બધી પ્રજાઓને તેનાથી ભયભીત બનાવી દીધી.