Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
21 verses
1મારા વહાલા મિત્રો, હમણા જગતમાં ઘણા જૂઠા પ્રબોધકો છે. તેથી પ્રત્યેક આત્માઓ પર વિશ્વાસ કરવો નહિ પરંતુ તે આત્માઓ દેવ પાસેથી છે કે નહિ તે પારખી જુઓ.
2એથી તમે દેવનો આત્મા ઓળખી શકો છો. આત્મા કહે છે, “હું માનુ છું કે ઈસુ તે ખ્રિસ્ત છે જે પૃથ્વી પર આવ્યો અને માનવ બન્યો.” તે આત્મા દેવ તરફથી છે.
3બીજા આત્માએ ઈસુ વિષે આ કહેવાની ના પાડી. તે આત્મા દેવ તરફથી નથી. આ આત્મા ખ્રિસ્તિવિરોધીનો છે. તમે સાભળ્યું છે કે ખ્રિસ્તવિરોધી આવે છે. અને હવે તે ખ્રિસ્તવિરોધી જગતમાં છે.
4મારાં વ્હાલાં બાળકો, તમે દેવના છો. તેથી તમે જૂઠા પ્રબોધકો ને હરાવ્યા છે. શા માટે? કારણ કે (દેવ) જે તમારામાં છે તે (શેતાન) જે જગતના લોકોમા છે તેના કરતાં વધારે મોટો છે.
5અને પેલા લોકો (જૂઠા પ્રબોધકો) જગતના છે. તેથી જે વાતો તેઓ કહે છે તે જગતની છે. અને જગત તેઓ જે કહે છે તે ધ્યાનથી સાંભળે છે.
6પણ આપણે દેવના છીએ. તેથી જે લોકો દેવને જાણે છે તેઓ આપણને ધ્યાનથી સાંભળે છે. પરંતુ જે લોકો દેવના નથી તેઓ આપણને સાંભળતા નથી. આ રીતે આપણે સત્યના આત્માઓને ભ્રાંતિના આત્માઓથી જૂદા તારવી શકીએ છીએ.
7વહાલા મિત્રો, આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ, કારણ કે પ્રેમ દેવ પાસેથી આવે છે. જે વ્યક્તિ પ્રેમ કરે છે તે દેવનુ બાળક બને છે અને દેવને ઓળખે છે.
8જે વ્યક્તિ પ્રેમ કરતો નથી તે દેવને આળખતો નથી કેમ કે દેવ પ્રેમ છે.
9આ રીતે દેવે તેનો પ્રેમ આપણને બતાવ્યો છે: દેવે તેના એક માત્ર પુત્રને તેના મારફત આપણને જીવન આપવા માટે આ દુનિયામાં મોકલ્યો છે.
10સાચો પ્રેમ એ દેવનો આપણા પ્રત્યેનો પ્રેમ છે, આપણે દેવ પર પ્રેમ રાખ્યો એમ નહિ. પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યો એમાં પ્રેમ છે.
11જો દેવે આપણને આટલો બધો પ્રેમ આપ્યો તો, વહાલા મિત્રો! તેથી આપણે પણ એકબીજાને પ્રેમ કરવો જોઈએ.
12કોઈ વ્યક્તિએ હજુ સુધી દેવને જોયો નથી. પણ જો આપણે એકબીજાને પ્રેમ કરીશું, તો દેવ આપણામાં રહે છે. જો આપણે એકબીજાને પ્રેમ કરીએ, તો દેવનો પ્રેમ આપણામાં સંપૂણૅ થયેલો છે.
13આપણે જાણીએ છીએ કે આપણે દેવમાં રહીએ છીએ અને દેવ આપણામાં રહે છે. આપણે આ જાણીએ છીએ કેમ કે દેવે આપણને તેનો આત્મા આપ્યો છે.
14અમે જોયું છે કે પિતાએ તેના પુત્રને જગતનો તારનાર થવા મોકલ્યો છે. હવે આપણે લોકોને જે કહીએ છીએ તે આ છે.
15જો કોઈ વ્યક્તિ કહે કે, “મને વિશ્વાસ છે કે ઈસુ દેવનો પુત્ર છે.” તો દેવ તે વ્યક્તિમાં રહે છે. અને તે વ્યક્તિ દેવમાં રહે છે.
16અને તેથી આપણે જાણીએ છીએ કે દેવે આપણને કેટલો બધો પ્રેમ આપ્યો છે. અને આપણે તે પ્રેમ પર વિશ્વાસ કર્યો છે. દેવ પ્રેમ છે. જે વ્યક્તિ પ્રેમમાં રહે છે તે દેવમાં રહે છે, અને દેવ તે વ્યક્તિમાં રહે છે.
17જો દેવનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થાય તો, પછી જ્યારે દેવ આપણો ન્યાય કરશે તે દિવસે આપણે ભયરહિત રહી શકીશું આપણે નિર્ભય રહીશું, કારણ કે આ જગતમાં આપણે તેના (ખ્રિસ્ત કે દેવ) જેવા છીએ.
18જ્યાં દેવનો પ્રેમ છે, ત્યાં ભય નથી. શા માટે? કારણ કે દેવનો સંપૂર્ણ પ્રેમ ભય દૂર કરે છે. દેવની શિક્ષા વ્યક્તિને ભયભીત બનાવે છે. તેથી જે વ્યક્તિમાં ભય છે તેનામાં દેવનો પ્રેમ સંપૂર્ણ થતો નથી.
19આપણે પ્રેમ કરીએ છીએ કારણ કે પહેલા દેવે આપણા પર પ્રેમ કર્યો.
20જો કોઈ વ્યક્તિ કહે કે: ‘હું દેવને પ્રેમ કરું છું.’ પરંતુ તે વ્યક્તિ ખ્રિસ્તમાં તેના ભાઈ કે બહેનનો દ્ધેષ કરે છે. તો તે વ્યક્તિ જુઠો છે. તે વ્યક્તિ તેના ભાઈને જોઈ શકે છે, છતાં તે તેનો દ્ધેષ કરે છે. તેથી તે વ્યક્તિ દેવને પ્રેમ કરી શકતો નથી, કારણ કે તેણે દેવને કદી જોયો નથી.
21અને દેવ આપણને આ આજ્ઞા કરી છે: જે વ્યક્તિ દેવને પ્રેમ કરે છે તેણે ખ્રિસ્તમાં તેના ભાઈઓ અને બહેનોને પણ પ્રેમ કરવો જોઈએ.