Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
11 verses
1યહૂદાનો રાજા યહોશાફાટ શાંતિથી યરૂશાલેમમાં પોતાના ઘરમાં પાછો ફર્યો.
2ત્યારે પ્રબોધક હનાનીનો પુત્ર યેહૂ તેને મળવા ગયો અને બોલ્યો, “તમે દુષ્ટોને મદદ કરી છે અને યહોવાના દુશ્મનો સાથે મૈત્રી બાંધી છે, તેથી યહોવા તમારા ઉપર રોષે ભરાયા છે;
3જો કે તેં કેટલાંક સારાં કામો પણ કર્યા છે; તમે દેશમાંથી પૂજા-સ્તંભોનો નાશ કર્યો છે અને દેવની ઉપાસના કરવાનું મનથી ચાલુ રાખ્યું છે.”
4તેથી યહોશાફાટ ફરીથી ઇસ્રાએલ ગયો નહિ, પણ યરૂશાલેમમાં રહ્યો. પછીથી તેણે બેરશેબાથી માંડીને એફ્રાઇમના પહાડી પ્રદેશ સુધી મુસાફરી કરી અને તેઓના પિતૃઓનાં દેવનું ભજન કરવા ઉત્તેજન આપ્યું.
5તેણે દેશમાં, એટલે યહૂદાના સર્વ કિલ્લેબંદી નગરોમાંના પ્રત્યેક નગરમાં, ન્યાયાધીશો નીમ્યા.
6અને તેમને કહ્યું, “પૂર્ણ વિચાર કરીને તમારી ફરજ બજાવજો, કારણ, તમે માણસને નામે નહિ પણ યહોવાને નામે ન્યાય કરો છો. તમે જ્યારે ચૂકાદો આપો છો ત્યારે યહોવા તમારી સાથે હોય છે.
7માટે યહોવાથી ડરીને ચાલજો, જે કંઇ કરો તે સાવચેતીપૂર્વક કરજો, કારણ, યહોવા આપણો દેવ અન્યાય, પક્ષપાત અને લાંચ સહન કરતા નથી.”
8ઉપરાંત યહોશાફાટે યરૂશાલેમમાં પણ અદાલતો સ્થાપી અને લેવીઓ, યાજકો, કુટુંબોના આગેવાનોને ન્યાયાધીશ તરીકે નિમણૂંક કર્યા.
9અને તેમને આ પ્રમાણે આદેશ આપ્યો, “તમારે યહોવાને માથે રાખીને વફાદારીથી અને પ્રામણિકપણે ફરજ બજાવવી.
10બીજાં શહેરોમાં રહેતા બંધુઓમાંથી જે કોઇ ફરિયાદ, ઝઘડો આવે, પછી તે ખૂનમરકીને લગતો હોય કે નિયમો અને આજ્ઞાઓના ઉલ્લંધનનો હોય; તમારે લોકોને ચેતવણી આપવી કે, ખોટું કામ ન કરે અને તેઓને ન્યાયી નિર્ણય લેવા માટે સહાય કરવી; નહિ તો રખેને દેવનો કોપ તમારા ઉપર અને તેઓ પર ઉતરે. જો તમે આ પ્રમાણે વર્તશો તો તમારી જવાબદારી યોગ્ય રીતે પૂરી કરી શકશો અને તમે ગુનેગાર ઠરશો નહિ.
11બધી ધામિર્ક બાબતોમાં મુખ્ય યાજક અમાર્યા તમારા પ્રમુખ રહેશે અને રાજ્યને લગતી તમામ બાબતોમાં યહૂદાના વંશના વડા ઇશ્માએલના પુત્ર ઝબાદ્યા તમારા પ્રમુખ રહેશે. લેવીઓ તમારા ચિટનીસ તરીકે કામ કરશે, હિંમતપૂર્વક કામ લેજો; સત્ય અને પ્રામાણિકતાને વળગી રહો, નિદોર્ષનું રક્ષણ કરવામાં દેવ તમારા પક્ષે રહેશે.”