Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
27 verses
1રાજા બેલ્શાસ્સારના રાજ્યકાળના ત્રીજા વષેર્ મને દાનિયેલને અગાઉ જે સંદર્શન થયું હતું, તેના જેવું બીજું સંદર્શન થયું.
2સંદર્શનમાં મે જોયું તો, હું એલામ પ્રાંતમાં આવેલા શુશાન ગઢમાં હતો. હું ઉલાય નદીને કાંઠે ઊભો હતો.
3મેં જોયું તો ઉલાય નદીને કિનારે એક મેંઢો ઊભેલો હતો. તેને બે શિંગડાં હતાં. એક શિંગડું મોટું હતું. અને મોટું શિંગડુ થોડીવાર પછી બીજા કરતા ઊંચુ થયું.
4મેં એ મેંઢાને પશ્ચિમમાં, ઉત્તરમાં અને દક્ષિણમાં શિંગડા મારતો જોયો. તેની આગળ કોઇ પ્રાણી ટકી શકે એમ નહોતું, અને એના પંજામાંથી કોઇ છોડાવી શકે એમ નહોતું. તે મરજીમાં આવે તેમ કરતો હતો અને અભિમાની બની ગયો હતો.
5આનો અર્થ શો હશે તે હું વિચારતો હતો, એવામાં અચાનક પશ્ચિમમાંથી એક બકરો અતિશય વેગથી પૃથ્વી પર આક્રમણ કરતો ઘસી આવ્યો. તેના પગ જમીનને અડકતા પણ નહોતા એ બકરાની આંખો વચ્ચે એક ભારે મોટું શિંગડું હતું.
6પહેલા જે શિંગડાવાળા મેંઢાને મેં નદીકાંઠે ઊભેલો જોયો હતો, તેની પાસે આવીને, તે તેના ઉપર પૂરા જોસથી ઘસી ગયો.
7મેં તેને મેંઢાની પાસે આવતો જોયો. તે મેંઢા પર ક્રોધે ભરાયો હતો. તેણે પૂરા બળથી મેંઢા ઉપર હુમલો કર્યો અને તેના બંને શિંગડાં ભાંગી નાખ્યાં. મેંઢો બિલકુલ લાચાર બની ગયો. બકરાએ તેને નીચે પછાડી દીધો અને તેને પગ તળે કચડી નાખ્યો, કેમકે તેને બકરાથી બચાવનાર કોઇ જ ન હતું.
8પછી એ બકરો ખૂબ જ અભિમાની બની ગયો, પણ તેનું બળ વધ્યું ત્યાં તેનું મોટું શિંગડું ભાંગી ગયું અને તેને ઠેકાણે ચાર દિશમાં ચાર મોટા શિંગડા ફૂટી નીકળ્યાં.
9અને તે બધાંમાંથી એક નાનું શિગડું આવ્યું અને દક્ષિણ તરફ, પૂર્વ તરફ અને રળિયામણા દેશ તરફ તે ખૂબ વધી ગયું.
10વધતું વધતું તે નક્ષત્રમંડળ સુધી પહોંચી ગયું. કેટલાક નક્ષત્રોને અને તારાઓને તેણે પૃથ્વી પર પટક્યાં અને પગ તળે કચડ્યાં.
11તેણે પોતાને આકાશના સૈન્યના સરદાર જેટલો મહાન કર્યો અને તેની પાસેથી દરરોજનું અર્પણ લઇ લીધું અને તેના મંદિરને અપવિત્ર કર્યું.
12બળવાને કારણે દૈંનિક અર્પણોની સાથે સૈન્ય પણ આપી દેવામાં આવ્યું; પરિણામે સત્યને જમીન પર ફેકી દેવામાં આવ્યું અને પોતાની મરજી મુજબ ર્વત્યું, ને નઠારૂ-ભૂંડાઇ વિજયી બની અને આબાદ થઇ.
13પછી મેં એક પવિત્ર દેવદૂતને બોલતો સાંભળ્યો, બીજા પવિત્રે જે પહેલો બોલતો હતો તેને કહ્યું, “જ્યારે રોજીંદા અર્પણો શરૂ થશે, બળવો મંદિરની શરણાગતિ અને સૈન્યને કચડી નાખવાનું એ દ્રશ્યમાન થવાને કેટલો સમય લાગશે?”
14પહેલાએ જવાબ આપ્યો, “2,300 સવારસાંજ સુધી, ત્યાર પછી મંદિરને પોતાના હક્કનું સ્થાન પાછું મળશે.”
15હું દાનિયેલ આ સંદર્શન જોતો હતો અને તેનો અર્થ સમજવા પ���રયત્ન કરતો હતો ત્યારે એકાએક જોઉં છું તો એક પુરુષ જેવી આકૃતિ મારી સામે ઊભી હતી.
16મેં ઉલાય નદીને પેલે પારથી આ મનુષ્યનો અવાજ સાંભળ્યો, તેણે કહ્યું, “ગાબ્રિયેલ, દાનિયેલને આ સંદર્શનનો અર્થ સમજાવ.”
17પછી ગાબ્રિયેલ મારી તરફ આવવા લાગ્યો, તે પાસે આવ્યો; ત્યારે હું એટલો ડરી ગયો કે, હું ઊભો રહી શક્યો નહિ અને ઊંધે મોઢે જમીન પર પડી ગયો. પરંતુ તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, સમજી લે કે, આ સંદર્શન અંત કાળનું છે.”
18એ જ્યારે બોલતો હતો ત્યારે હું જમીન પર મૂછિર્ત થઇને પડ્યો હતો, પણ તેણે મને પકડીને હું જ્યાં પડ્યો હતો ત્યાં ઊભો કર્યો.
19અને કહ્યું, “જો, હું તને જણાવું છું કે, દેવના ક્રોધને અંતે શું થવાનું છે; કારણ આ સંદર્શન અંતકાળ વિષે છે.
20“તેઁ જોયેલાં બે શિંગડાવાળો મેંઢો, માદી અને ઇરાનના રાજાઓ છે.
21અને પેલો બકરો જે લાંબા જાડા બરછટ વાળ વાળો છે, તે ગ્રીસનું રાષ્ટ છે, અને તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું ગ્રીસનો પહેલો રાજા છે.
22તેં જોયું કે, એ શિંગડું ભાંગી ગયું અને તેની જગ્યાએ ચાર શિંગડાં ફૂટી નીકળ્યાં તેનો અર્થ એ છે કે, તેના વંશમાંથી ચાર રાજ્યો ઉદય પામશે, પણ તેમનામાં એના જેવું બળ નહિ હોય.
23તેઓના રાજ્યના અંતકાળે તેઓ નૈતિક રીતે અધ:પતન પામ્યા હશે ત્યારે મુત્સદ્દગીરીમાં કુશળ અને બાહોશ રાજા ઊભો થશે.
24તે મહા બળવાન હશે અને ભારે વિનાશ નોતરશે. તે જે પણ કરશે, તેમાં તે સફળ થશે. તેની સામે થનારા શકિતશાળી સૈન્યોનો પણ તે નાશ કરશે અને દેવના લોકોને હિંસા દ્વારા નાશ કરશે.
25“તે પોતાની કુશળતાને લીધે છેતરામણા કાર્યો દ્વારા વિજયી નીવડશે. તે પોતાના મનમાં બહું મહાન બની જશે અને ઘણા લોકોનો ચેતવણી વગર નાશ કરશે. તે પોતાને એટલો મહાન સમજશે કે, તે સરદારોના સરદારને પણ યુદ્ધમાં ઘસડી જશે. પણ આમ કરવામાં તે પોતાનો જ સર્વનાશ નોતરશે. પરંતુ કોઇનાય હાથ વગર તેનો નાશ થશે.
26“સવાર અને સાંજના અર્પણોનું સંદર્શન જે વર્ણવ્યું છે તે સાચું છે; પરંતુ તું એ સંદર્શનને ગુપ્ત રાખજે, કારણકે તે સાચું પડે તે પહેલાં ઘણાં દિવસો પસાર થઇ જશે. અને તેની પહેલા જે થશે તે સાચું હશે.”
27પછી હું દાનિયેલ, આ સાંભળીને મૂછિર્ત થઇ ગયો અને ઘણા દિવસો બીમાર રહ્યો. ત્યારબાદ હું સાજો થયો અને રાજા પ્રત્યેની મારી ફરજો બજાવવા લાગ્યો; પરંતુ એ સંદર્શનથી હું અચંબો પામ્યો, અને હું તે સંદર્શન સમજી શકતો ન હતો.