Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
29 verses
1મૂલ્યવાન અત્તર કરતાં મનુષ્યની સારી શાખ અતિ મૂલ્યવાન છે. મનુષ્યનાં જન્મદિન કરતાં તેનો મૃત્યુદિન વધારે સારો છે.
2ઉત્સવોની ઉજવણીમાં સમય બગાડવો તેનાં કરતાં દફનવિધીમાં પસાર કરવો તે વધુ સારું છે. કારણ કે પ્રત્યેક વ્યકિતએ એક દિવસ મરવાનું છે. સમય છે તો તે વિષે વિચારવું વધારે સારું છે.
3દુ:ખ એ હાસ્ય કરતા વધારે સારું છે. મોઢા પરનું દુ:ખ અંત:કરણને શુદ્ધ બનાવે છે.
4જ્ઞાની મનુષ્ય પોતાના મૃત્યુ વિષે વધારે વિચારે છે. મૂર્ખ પોતાના વર્તમાનને સારી રીતે માણવામાં મગ્ન રહે છે.
5મૂર્ખ મનુષ્ય આપણી પ્રશંસા કરે તેનાં કરતાં જ્ઞાની માણસ આપણને ઠપકો આપે તે વધારે સારું છે!
6કારણ કે જેમ અગ્નિમાં કાંટા ઝડપથી સળગી જાય છે તેમ મૂર્ખનું હાસ્ય લાંબો સમય ટકતું નથી, એ વ્યર્થ પણ છે.
7ખરેખર લાંચથી ડાહ્યો મનુષ્ય મૂર્ખ બને છે; તે તેની સમજશકિતનો નાશ કરે છે.
8કોઇ બાબતના આરંભ કરતાં તેનો અંત સારો છે; અને અભિમાની મનુષ્ય કરતાં મનનો ધૈર્યવાન મનુષ્ય સારો છે.
9ક્રોધ કરવામાં કદી ઉતાવળા ન થવું- તે તો મૂર્ખતાની નિશાની છે. ક્રોધ મૂખોર્ના હૃદયમાં રહે છે.
10“ભૂતકાળનાં દિવસો હાલનાં કરતાં વધારે સારા શા માટે હતા,” એમ નહિ કહો કારણ કે આ વિશે પૂછવા માટે તમને પ્રેરે છે તે ડહાપણ ભરેલું નથી.
11બુદ્ધિ વારસા જેવી છે; અને જીવવા માટે તે વધુ ઉત્તમ છે.
12દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે; પરંતુ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવનની રક્ષા કરે છે.
13દેવનાં કામનો વિચાર કરો; જે તેણે વાંકુ કર્યુ છે, તેને સીધું કોણ કરી શકશે?
14ઉન્નતિનાં સમયે આબાદીનો આનંદ માણો. વિપત્તિકાળે વિચાર કરો; દેવ આપણને સુખ-દુ:ખ બંને આપે છે. જેથી દરેકને અનુભૂતિ થાય કે ભવિષ્યમાં શું થશે તે માણસ શોધી શકતો નથી.
15આ બધું મેં મારા જીવનનાં વ્યર્થપણામાં જોયું છે. કેટલાક સારા માણસો નેક પણું હોવા છતાં યુવાનવયે જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલાંક દુષ્ટ લોકો દુષ્ટતામાં રાચીને પણ લાંબુ આયુષ્ય ભોગવે છે.
16તેથી તમે વધુ પડતાં નેક ન થાઓ કે વધુ પડતાં ડાહ્યાં ન થાઓ! શા માટે પોતાનો વિનાશ નોતરવો?
17અતિશય દુષ્ટ ન થાઓ તેમજ મૂર્ખ પણ ન થાઓ! શા માટે અકાળે મોત નોતરવું?
18તમારે જે કરવાના જ છે તે સર્વ કાર્યો તમે કરો; એવું ન થવું જોઇએ કે તમે એક કાર્ય કરો અને બીજું પડતું મૂકો અને જો તમે દેવનો ડર રાખો, તો તમે બંને કરવામાં સફળ થશો.
19દશ અમલદારો નગરમાં હોય તેનાં કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શકિતશાળી બનાવે છે.
20સમગ્ર વિશ્વમાં એક પણ માણસ એવો નથી જે હંમેશા સારું જ કરતો હોય અને કદીય તેણે પાપ ના કર્યુ હોય.
21કોઇ લોકો જે કહે તે દરેક વાત સાંભળવી નહિ, અથવા તો તમારે તમારા નોકરને તમારી વિષે બૂરું બોલતાં સાંભળવો જોઇએ!
22કારણ કે તમારું અંત:કરણ જાણે છે કે તમે કેટલીય વાર બીજાની વિરૂદ્ધ બોલો છો!
23મેં હોશિયાર થવા મારાથી શક્ય સર્વ પ્રયત્નો કર્યા છે; મેં જાહેર કર્યુ કે, હું બુદ્ધિમાન થઇશ;” પણ તે વાત મારાથી દૂર રહી.
24ડહાપણ ઘણે દૂર અને અતિશય ઊંડુ છે, તેને મેળવવું ઘણું મુશ્કેલ છે. તેનો પાર કોણ પામી શકે?
25મેં જ્ઞાનની શોધમાં મારું મન લગાડ્યું અને સર્વ સ્થળોએ તેને શોધ્યું તેમજ તેનાં કારણો તપાસ્યાં. જેથી દુષ્ટતા મૂર્ખાઇ છે, અને મૂર્ખામી ગાંડપણ છે તે હું પૂરવાર કરી શકું.
26તેથી મે જાણ્યું કે મૃત્યુ કરતાં પણ એક વસ્તુ વધારે કષ્ટ દાયક છે, તે છે એક સ્ત્રી, જે એક ફાંસલા અને એક જાળ જેવી છે તથા જેના હાથ સાંકળ સમાન છે તે દેવતુલ્ય વ્યકિતને આકર્ષવાનો પ્રયત્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે; પરંતુ પાપી તેની જાળમાંથી છટકી શકતાં નથી.
27સભાશિક્ષક કહે છે: “સત્ય શોધી કાઢવા માટે બધી વસ્તુઓને સાથે મેળવીને હું આ નિર્ણય પર આવ્યો છું.”
28હું જે મેળવી શકતો નથી તે હું શોધ્યાજ કરું છું. માણસોમાં, હજારોમાં એક મને મળ્યો છે, પણ સ્ત્રીઓમાં એક પણ એવી મળી નથી.
29“અંતે મને ફકત એટલી જ સત્ય હકીકત જાણવા મળી છે કે, દેવે માનવજાતને પ્રામાણિક અને દયાળુ બનાવી છે, પરંતુ તેઓએ ઘણી યુકિતઓ શોધી કાઢી છે.