Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
22 verses
1ત્યાર બાદ મેં કરૂબ દેવદૂતોના માથા ઉપર જોયું તો નીલમણિના ઘૂમટ જેવું કંઇક દેખાયું.
2પછી દેવે સુતરાઉ રેસાના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “કરૂબ દેવદૂતોની નીચેનાં પૈડાઓ વચ્ચે જા અને બળતા કોલસામાંથી મુઠ્ઠી ભરી યરૂશાલેમ શહેર પર નાખ.”અને મેં જોયું કે એ અંદર પ્રવેશ્યો.
3તે માણસ અંદર ગયો ત્યારે કરૂબ દેવદૂતો મંદિરની દક્ષિણ બાજુએ ઊભા હતા. ત્યારે અંદરનો ચોક વાદળથી ભરાઇ ગયો.
4પછી યહોવાનો મહિમા કરૂબો ઉપરથી ઊડીને મંદિરના પ્રવેશદ્વાર આગળ ગયો. એટલે મંદિર વાદળથી ભરાઇ ગયું અને આખો ચોક યહોવાના ગૌરવનાં તેજથી ઝળાંહળાં થઇ ગયો.
5કરૂબોની પાંખોનો અવાજ સર્વસમર્થ દેવના મુખમાંથી નીકળેલા શબ્દ જેવો અવાજ હતો, અને બહારના આંગણમાં તે સ્પષ્ટ સંભળાતો હતો.
6યહોવાએ શણના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “કરૂબો મધ્યે જઇને ફરતાં પૈડામાંથી સળગતા કોલસા લે, એટલે માણસ અંદર જઇને એક પૈડા પાસે ઊભો રહ્યો.
7અને કરૂબોમાંના એકે હાથ લંબાવી તેમની વચ્ચેના અંગારામાંથી થોડા લઇ શણના વસ્ત્ર પહેરેલા માણસને આપ્યા. તે લઇને તે બહાર ચાલ્યો ગયો.
8કરૂબોની પાંખો નીચે માણસના હાથ જેવું કઇ દેખાતું હતું.
9મેં જોયું તો પ્રત્યેક કરૂબ પાસે એક એમ ચાર પૈડા હતાં અને તે પૈડા સોનેરી પોખરાજ રત્નની જેમ ઝળહળતાં હતાં.
10બધાં પૈડાની રચના એક સરખી દેખાતી હતી; અને એક પૈડાની અંદર બીજું પૈડું ગોઠવ્યું હોય તેમ લાગતું હતું.
11કરૂબો આગળ વધતા ત્યારે તેઓનાં મુખ તે ચારે દિશામાં, આમતેમ ફેરવ્યાં વિના તેઓ જઇ શકતા હતાં. પૈડાંને વળાંક લેવાની જરૂર પડતી નહોતી, તેઓ બધા એકી સાથે ફર્યા વગર ગમે તે દિશામાં સીધા આગળ વધી શકતા હતાં.
12તેઓના આખા શરીર પર, પીઠ પર, હાથ પર, પાંખો પર અને પૈડાઓ પર સર્વત્ર પુષ્કળ પ્રમાણમાં આંખો હતી.
13અને મેં તેમને ચાલણચક્ર એમ પૈડાઓ માટે કહેતા સાંભળ્યાં.
14દરેક કરૂબને ચાર મોઢાં હતાં, પહેલું મોઢું કરૂબનું હતું, બીજું માણસનું હતું, ત્રીજું સિંહનું હતું અને ચોથું ગરૂડનું હતું.
15કરૂબો ઊડીને ઊંચે ચઢયા. કબાર નદી પાસે મેં જોયાં હતાં તે જ પ્રાણીઓ આ હતાં.
16કરૂબો જમીન ઉપરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ તેઓની સાથે જતાં. તેઓ ઊંચે જવા પાંખો પ્રસારતા ત્યારે પૈડાઓ તેમની પાસે જ રહેતા.
17જ્યારે તેઓ ઊડવા માટે પાંખો ફેલાવતા ત્યારે પણ પૈડાં તેમની સાથેને સાથે જ રહેતાં. તેઓ અટકતા ત્યારે પૈડાં પણ અટકી જતાં અને જ્યારે તેઓ ઊડતાં ત્યારે પૈડાં તેમની સાથે જ રહેતાં, કારણ, પૈડાં ઉપર તેમનું નિયંત્રણ હતું.
18પછી યહોવાનું ગૌરવ મંદિરના પ્રવેશદ્વારથી ખસીને કરૂબો પર આવી ઊભું.
19કરૂબો પાંખો પ્રસારીને જમીનથી અધ્ધર થઇ ગયા અને પૈડાંને પણ તેમની સાથે- સાથે અધ્દર થતાં મેં જોયાં. મંદિરના પૂર્વ દરવાજા આગળ તેઓ થોભ્યા. તેમના ઉપર યહોવાનું ગૌરવ છવાયેલું હતું.
20કબાર નદીના કાંઠે ઇસ્રાએલના દેવના સિંહાસન નીચે જે પ્રાણીઓ મેં જોયાં હતાં તે આ જ હતાં, મને ખાતરી થઇ હતી કે તેઓ કરૂબો હતા.
21પ્રત્યેકને ચાર મોઢાં, ચાર પાંખો અને દરેક પાંખ નીચે માણસના હાથ જેવું કઇંક હતું.
22તેમનાં મોઢાં કબાર નદીને કાંઠે મેં દર્શનમાં જોયેલાં મોઢાં જેવાં જ હતાં. દરેક કરૂબ સીધો આગળ વધતો હતો.