Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
17 verses
1પરંતુ તે સમયે પ્રબોધકો હાગ્ગાય તથા ઉદ્દોના પુત્ર ઝખાર્યાએ ઇસ્રાએલના દેવ યહોવાના નામે જેઓની તેમના પર કૃપા હતી યહૂદા તથા યરૂશાલેમમાં જે યહૂદીયાઓ હતા, તેઓને ભવિષ્યવાણી સંભળાવી.
2ત્યારે શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલ તથા યોસાદાકના પુત્ર યેશૂઆએ યરૂશાલેમમાં યહોવાનું મંદિર બાંધવાનું શરૂ કરી દીધું. દેવના પ્રબોધકો તેમને ટેકો આપતાં હતાં.
3પરંતુ તે જ સમયે યુફ્રેતિસ નદીની પશ્ચિમ તરફના પ્રદેશનો પ્રશાશક તાત્તનાય અને શથાર-બોઝનાય તથા તેઓના સાથીદારો યરૂશાલેમ આવ્યા અને પૂછયું, “આ મંદિર ફરીથી બાંધવાની અને લાકડાનું કામ પુરું કરવાની પરવાનગી તમને કોણે આપી છે?”
4પછી તેઓએ પૂછયું, “જે માણસો આ મંદિર બાંધે છે તેમના નામ શાં છે?”
5પરંતુ યહૂદીઓના વડીલો પર તેઓના દેવ યહોવાની કૃપાદ્રષ્ટિ હતી, માટે આ બાબત દાર્યાવેશને કાને પહોંચ્યા પછી રાજાનો જવાબ આવે ત્યાં સુધી તેમને કામ કરતા અટકાવવામાં આવ્યા નહિ.
6તાત્તનાય પ્રશાશક, શથાર-બોઝનાય તથા બીજા અધિકારીઓએ દાર્યાવેશ રાજા પર નીચે પ્રમાણે પત્ર મોકલ્યો:
7પ્રતિ: દાર્યાવેશ રાજા: સલામ! ક્ષેમકુશળ હશો.
8આપને વિદિત થાય કે, અમે યહૂદા પ્રાંતમાં મહાન દેવના મંદિરમાં ગયાં હતા, તે મંદિર પથ્થરની મોટી શિલાઓથી બાંધવામાં આવી રહ્યું છે, એની ભીંતોએ લાકડાની તખ્તીઓ જડવામાં આવે છે, ખૂબ સફળતાપૂર્વક અને ઉત્સાહથી કામ ચાલી રહ્યું છે.
9અમે ત્યાં આગેવાનોને પૂછયું, “તમને આ મંદિરનું બાંધકામ કરવાની અને તેનું લાકડાનું કામ પુરું કરવા માટે કોણે પરવાનગી આપી છે?”
10વળી અમે તેમના નામ પણ પૂછયાં, જેથી અમે આપને જણાવવા માટે આગેવાનોના નામની યાદી તૈયાર કરી શકીએ.
11તેઓએ અમને ઉત્તર આપ્યો કે,“અમે આકાશ અને પૃથ્વીના દેવના સેવકો છીએ; ઇસ્રાએલના એક મહાન રાજાએ ઘણાં વષોર્ પહેલાં બંધાવેલ મંદિરનો અમે જીણોર્દ્ધાર કરીએ છીએ.
12અમારા પિતૃઓએ સ્વર્ગના દેવને ગુસ્સે કર્યા, તેથી તેણે તેઓનો ત્યાગ કર્યો. તેણે નબૂખાદનેસ્સાર રાજા દ્વારા આ મંદિરનો નાશ કરાવ્યો અને રાજાએ લોકોનો દેશનિકાલ કરીને બાબિલ મોકલ્યા.”
13પણ બાબિલના રાજા કોરેશે પોતાના રાજ્યના પહેલા વર્ષમાં દેવના આ મંદિરનો જીણોર્દ્ધાર કરવાની પરવાનગી આપી.
14ઉપરાંત દેવના મંદિરની સોના ચાંદીની વસ્તુઓ નબૂખાદનેસ્સાર યરૂશાલેમના દેવના મંદિરમાંથી કાઢીને બાબિલના મંદિરમાં લઇ ગયો હતો, ને તે બધી વસ્તુઓ કોરેશ રાજાએ બાબિલના મંદિરમાંથી પાછી લઇને શેશ્બાસ્સારને સોંપી જેને તેણે પ્રશાશક નિમ્યો હતો;
15“રાજાએ તેને સૂચના આપી કે, તે સર્વ વસ્તુઓ યરૂશાલેમના મંદિરમાં પાછી મોકલે અને દેવના મંદિરને તેની અસલ જગ્યાએ બંધાવે.”
16પછી તે જ શેશ્બાસ્સારે આવીન�� દેવના એ મંદિરનો પાયો યરૂશાલેમમાં નાખ્યો; અને ત્યારથી તેનું બાંધકામ ચાલુ છે, તે હજી પૂરું થયું નથી.
17તેથી આપ નામદારને યોગ્ય લાગે તો બાબિલના ભંડારમાં તપાસ કરાવશો કે રાજા કોરેશે યરૂશાલેમમાં દેવનું મંદિર ફરી બાંધવાની પરવાનગી આપી હતી કે કેમ, અને આ બાબતમાં આપનો નિર્ણય જણાવશો.