Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
29 verses
1અફસોસ છે એફ્રાઇમના ધનવાન લોકો અહંકારી, છાકટા અને પૌષ્ટિક ખોરાકથી હષ્ટપુષ્ટ થયેલાં છે. પરંતુ તેઓ જંગલી ફૂલ કે પાંદડાના હારની જેમ ક્ષીણ થઇ જશે.
2કારણ કે યહોવા મારા દેવ તમારી વિરુદ્ધ આશ્શૂરના મહાન સૈન્યને મોકલશે; તે કરાના ભયંકર તોફાનની જેમ તમારા પર, વિનાશ વેરનાર વાવાઝોડાની જેમ, તોફાને ચઢેલાં ઊભરાતાં પાણીના ઘસમસતા પૂરની જેમ ધસી આવશે, ને તેમને ભોંયભેગા કરીને પછાડશે.
3ઇસ્રાએલના છાકટા આગેવાનોના તુમાખીભર્યા મુગટો પગ તળે કચરાશે.
4અને તેમના માથાં પરનાં કરમાતાં ફૂલો જેવી તેમની જાહોજલાલી હશે અને પૌષ્ટિક ખોરાકથી હષ્ટપુષ્ટ અને ઋતુંનાં પહેલાં પાકેલાં અંજીર જેવી થશે, જે નજરે ચડતાં જ ચૂંટાઇને ખવાઇ જાય છે.
5યહોવાના જે લોકો બચી ગયા હશે, તેઓ માટે છેવટે સૈન્યોનો દેવ યહોવા પોતે “મહિમાનો મુગટ” અને “સૌદંર્યનો તાજ થશે.”
6તે ન્યાયાસન ઉપર બેસનારાઓમાં ન્યાયની ભાવના પ્રેરશે અને દુશ્મનોથી નગરના દરવાજાઓનું રક્ષણ કરનારાઓને બહાદુર બનાવશે.
7યાજકો અને પ્રબોધકો પણ દ્રાક્ષારસ પીને લથડીયાં ખાય છે; દ્રાક્ષારસથી તેમના ચિત્ત ડહોળાઇ ગયા છે, તેઓ દિવ્ય દર્શનના અર્થઘટનમાં ગોથાં ખાય છે, ચુકાદો આપવામાં ગૂંચવાય છે.
8તેઓનાં બધાં મેજ ઊલટીથી ભરાઇ ગયાં છે, કોઇ જગા ચોખ્ખી રહેવા પામી નથી.
9લોકો કહે છે, “યશાયા પોતાના મનમાં શું સમજે છે કે આપણી સાથે આ પ્રમાણે વાત કરે? અમે શું હમણા જ બોલતા શીખ્યા હોય એવા નાનાં બાળકો છીએ? “
10પણ તે આ પ્રમાણે સંભળાશે,“ત્સવ, લે સ્તવ, સ્તવ, લે સ્તવ, કવ, લેકવ, કવ, લેકવ, ઝર શામ, ઝર શામ!”
11એટલે યહોવા આ લોકોની સાથે વાત કરશે, તેમને પાઠ ભણાવવા અન્ય ભાષા બોલનાર વિદેશીઓને મોકલશે.
12તેણે તે���ને કહ્યું હતું કે, “અહીં વિશ્રામ છે. થાક્યા હોય તે વિશ્રામ કરે. અહીં શાંતિ છે,” પણ તેમણે કાને ન ધર્યુ.
13તેથી હવે યહોવાના શબ્દો પણ તેમનેઆ પ્રમાણે સંભળાશે,“ત્સ, લેત્સવ, સ્ત, લેસ્તવ, કવ, લેકવ, કવ, લેકવ, કવ, લેકવ, ઝર શામ, ઝર શામ.”તેથી તેઓ પોતાના રસ્તે જવાનું રાખે, અને ઠોકર ખાઇને પાછા પડે, તૂટી પડે અને સપડાવીને કબ્જે કરાય.
14માટે યરૂશાલેમના લોકો પર રાજ્ય કરતાઓ ઘમંડી માણસો, તમે યહોવાના વચન સાંભળો!
15કારણ કે તમે એમ કહો છો કે, અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે, અમે શેઓલની સાથે સમજૂતી કરી છે; જ્યારે વિનાશનો ચાબખો વીંજાશે ત્યારે તે અમને સ્પર્શ કરશે નહિ, કારણ કે અમે જૂઠાણાનો આશ્રય લીધો છે, અને અમારી જાતને જુઠ્ઠાણામાં છુપાવી દીધી છે.
16તેથી યહોવા મારા દેવ કહે છે કે, “જુઓ, હું સિયોનમાં પાયાનો પથ્થર મૂકું છું, જે નક્કર અને મજબૂત છે. જે માણસ વિશ્વાસ રાખે છે તે ગભરાતો નથી.
17“હું ન્યાયની દોરી અને ન્યાયીપણાનો ઓળંબો લઇ ચણતર કરીશ, કરાંનું તોફાન તમારા જૂઠાણાના આશ્રયને ઘસડીને લઇ જશે, અને પાણીનું પૂર તમારી સંતાઇ જવાની જગા પર ફરી વળશે.
18ત્યારે તમારો મૃત્યુ સાથેનો કરાર રદ થશે, અને શેઓલ સાથેની તમારી સમજૂતી ટકશે નહિ, જ્યારે વિનાશનો ચાબખો વિંઝાશે ત્યારે તમે તેનાથી પટકાઇ પડશો.
19“તે જેટલી વાર વિંઝાશે તેટલી વાર તે તમને પકડશે; પ્રતિદિન સવારે, રાતદિવસ તે વિંઝાશે, એના સમાચાર માત્રથી ભય વ્યાપી જશે.
20“તમે તૈયાર કરેલી પથારી એટલી ટૂંકી છે કે તેના પર સૂઇ શકાય નહિ; અને ઓઢવાનું એટલું સાંકડું છે કે તમને ઢાંકી શકે નહિ.”
21કારણ કે તે પરાસીમના પર્વત પર અને ગિબયોનની ખીણમાં રોષે ભરાઇ ઉભો થઇ જશે, અને અસાધારણ તથા અનોખું કાર્ય કરશે!
22એટલે હવે તમે હાંસી ઉડાવશો નહિ. નહિ તો તમારી સાંકળો મજબૂત થઇ જશે. સૈન્યોના દેવ યહોવાએ છોડેલી આખા દેશના વિનાશની આજ્ઞા મેં સાંભળી છે.
23ધ્યાનથી મારી વાણી સાંભળો! ધ્યાન દઇને મારું વચન સાંભળો.
24શું ખેડુત ખેતર ખેડ્યા જ કરે અને વાવણી જ ન કરે એવું બને ખરું? તે શું ચાલુ જમીન ખોદ્યા જ કરે છે અને રાંપડી જ ફેરવ્યા કરે છે?
25તેની જમીનની સપાટી સરખી કરીને તે તેમાં સૂવા કે જીરું વાવતો નથી? અને ચાસમાં ઘઉં, ને નક્કી કરેલી જગાએ જવ, ને યોગ્ય ઋતુંમાં શું તે બાજરી વાવતો નથી?
26કારણ કે તેને તેના દેવે શિક્ષણ આપીને યોગ્ય જ્ઞાન આપ્યુ હોય છે.
27કારણ કે સૂવા ધારદાર શસ્રથી મસળાતા નથી કે જીરાના દાણા પર ગાડાનું પૈડું ફેરવાતું નથી. સૂવા લાકડીથી ઝુડાય છે અને જીરું ઝૂડિયાથી ઝૂડાય છે.
28ઘઉં સરળતાથી દળાય છે તેથી તે તેને સતત ઝાડ્યા કરતો નથી અને એક વ્યકિત અનાજના દાણા પર ગાડાનું પૈડું ફેરવે છે છતાં પણ તે દાણાને તોડી નાખતો નથી.
29એ જ્ઞાન પણ સૈન્યોના દેવ યહોવા પાસેથી મળે છે, જેની સલાહ અદૃભુત છે અને જેનું શાણપણ અજબ છે.