Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
8 verses
1તેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે, ને ઘોડાઓ પર આધાર રાખે છે; અને રથો પુષ્કળ હોવાથી તેમના પર ભરોસો રાખે છે, ને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે; પણ તેઓ યહોવા પર, ઇસ્રાએલના પરમપવિત્ર દેવ તરફ તેઓ ષ્ટિ કરતા નથી, કે તેની મદદ માંગતા નથી,
2તેમ છતાં યહોવા બધું સમજે છે અને આફત લાવે છે, ને પોતાની ધમકી ફોક થવા દેતા નથી. તે દુષ્ટોનાં સંતાનોને અને તેમને મદદ કરનારાઓને સજા કરશે.
3મિસરીઓ પણ માણસ છે, તેઓ દેવ નથી; તેમના ઘોડા પણ માંસના બનેલા છે, અમર નથી. જ્યારે યહોવા હાથ ઉગામશે ત્યારે મદદ કરનાર ઠોકર ખાશે અને મદદ લેનાર પડી જશે, અને તેઓ બધા જ એકી સાથે સમાપ્ત થઇ જશે.
4કેમ કે, યહોવાએ મને એમ કહ્યું છે કે, “જેમ કોઇ સિંહ શિકાર પર ઊભો રહીને ધૂરકે છે, અને ભરવાડોનું ટોળું તેની સામે આવે છે, તોયે તેમની બૂમરાણથી તે ગભરાતો નથી કે નથી તેમના હાકોટાથી ભાગી જતો.”તેમ હું સૈન્યોનો દેવ યહોવા, સિયોનના પર્વત પર તેને પક્ષે લડવા ઊતરી આવીશ અને મને કોઇ રોકી શકશે નહિ.
5જે રીતે પક્ષી પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માળા પર પાંખો પ્રસારે તેમ હું સૈન્યોનો દેવ યહોવા યરૂશાલેમનું રક્ષણ કરીશ અને તેનો મોક્ષ કરીશ.
6“હે ઇસ્રાએલના લોકો, તમે જેનો ભારે અપરાધ કર્યો છે તેની પાસે પાછા આવો.
7કારણ, તે દિવસ આવી રહ્યો છે જ્યારે તમારાંમાંનો દરેક જણ તમારા પોતાના પાપી હાથે બનાવેલી ચાંદીની અને સોનાની મૂર્તિને ફગાવી દેશે.
8માણસની નહિ એવી તરવારથી આશ્શૂરનું પતન થશે, માણસની નહિ હોય તેવી તરવારથી તેનો સંહાર થશે. તે રણસંગ્રામમાંથી ભાગી જશે, અને તેના જુવાનજોધ યોદ્ધાઓને મજૂરીએ વળગાળવામાં આવશે; 9તેનો રાજા ભયને લીધે ભાગી જશે અને તેના સરદારો એવા તો બીશે કે ધ્વજને છોડીને નાસી જશે.”આ યહોવાના વચન છે, જેની ભઠ્ઠીનો અગ્નિ યરૂશાલેમમાં ભડભડ બળે છે.