Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
31 verses
1તમારા દેવની આ વાણી છે: “દિલાસો, હા, મારા લોકોને દિલાસો આપો.
2યરૂશાલેમ, સાથે સૌમ્યતાથી વાત કરો, તેને જણાવો કે તેના દુ:ખના દહાડા પૂરા થયા છે, તેના પાપનું પ્રાયશ્ચિત પૂરું થયું છે, તેણે યહોવાના હાથે તેના બધા દોષોની બમણી સજા મેળવી છે.”
3કોઇનો સાદ સંભળાય છે: “મરુભૂમિમાં યહોવાને માટે રસ્તો તૈયાર કરો; આપણા દેવને માટે રણમાં સીધો અને સપાટ રાજમાર્ગ બનાવો.
4બધી ખીણોને પૂરી દો અને બધા પર્વતો અને ડુંગરોને સપાટ બનાવી દો. ખરબચડી જમીનને સરખી બનાવી દો. અને ખાડા-ટેકરાને સપાટ મેદાન બનાવી દો.
5પછી યહોવાનો મહિમા પ્રગટ થશે અને સમગ્ર માનવજાત તે જોવા પામશે. આ યહોવાના મુખના વચન છે.”
6એક અવાજ કહે છે, “સાદ પાડ.” હું પૂછું છું, “શો સાદ પાડું?” જવાબ મળે છે, સર્વ મનુષ્ય ઘાસ જ છે, ને તેમનું સર્વ સૌઁદર્ય ખેતરના ફૂલ જેવું છે:
7દેવના શ્વાસથી ઘાસ ચીમળાઇ જાય છે અને ફૂલો કરમાઇ જાય છે; નાશવંત માનવી પણ તેના જેવો જ છે.
8ઘાસના તણખલાં વચન સૂકાઇ જાય છે, ફૂલો કરમાઇ જાય છે, પણ આપણા દેવનું વચન સદાકાળ સુધી કાયમ રહે છે.”
9હે સિયોનને માટે શુભ સમાચાર લાવનારા! તું પર્વતની ટોચે ચઢી જા, મોટા સાદે પોકાર કર! હે યરૂશાલેમ માટે શુભ સમાચાર લાવનારા લોકો, તમારાં અવાજ ઊંચા કરો, ગભરાશો નહિ, યહૂદીયાના નગરોને કહો, “આ તમારા દેવ છે!”
10જુઓ, મારા માલિક યહોવા તેમના પૂરા સાર્મથ્ય સહિત પધારે છે, તે પોતાના મજબૂત હાથથી દરેકને પોતાના શરણે આવવા માટે દબાણ કરે છે. તે તેની પ્રજાને વળતર તરીકે પોતાની સાથે લાવે છે, અને આ પ્રજા જે તેના કામનો બદલો છે, તેઓ તેની આગળ ચાલે છે.
11તે ગોવાળની જેમ પોતાના ટોળાંનું પાલન કરે છે; તે પોતાના હાથમાં હલવાનોને ઊંચકી લેશે અને વિયાએલી ઘે���ીઓને હળવે હળવે દોરી જશે.
12સમુદ્રના જળને ખોબામાં લઇને કોણે માપ્યાં છે અને આકાશને કોણે પોતાના વેંતથી માપ્યું છે? સમગ્ર પૃથ્વીનું તથા પર્વતો અને ટેકરીઓનું વજન ત્રાજવાના પલ્લામાં કોણે તોળ્યુ છે?
13યહોવાના આત્માનો તાગ કોણે મેળવ્યો છે? કોણે તેમને સલાહ આપી છે?
14કોણ તેમને શીખવી શકે કે સલાહ આપી શકે?શું તેમને કોઇ વ્યકિત સલાહ આપે તે ઉચિત છે? શું યોગ્ય છે અને શ્રેષ્ઠ શું છે તે જાણવા કોઇના સૂચનની શું તેમને જરૂર છે?
15અરે, એમને મન પ્રજાઓ તો ડોલમાંથી ટપકતાં પાણીના ટીપા સમાન છે, ત્રાજવાને ચોંટેલી રજ બરાબર છે. ટાપુઓ ધૂળના કણ જેવા હલકા છે.
16આખો લબાનોન પર્વત એના યજ્ઞ માટે પૂરતાં લાકડાં કે હોમવા માટે પુરતાં પશુઓ પૂરાં પાડી શકે એમ નથી.
17તેમની આગળ બધી પ્રજાઓ કશી વિસાતમાં નથી, તેમને મન એ બધી નહિવત, શૂન્યવત છે.
18તો તમે દેવની તુલના શાની સાથે કરશો? તમે તેમનું વર્ણન કઇ રીતે કરી શકશો?
19શું મૂર્તિની સાથે? મૂર્તિને તો કારીગર ઢાળે છે, સોની સોનાના પતરાથી મઢે છે અને રૂપાના હાર ચઢાવે છે.
20નિર્ધન માણસ તેના અર્પણ તરીકે લાકડું પસંદ કરે છે તે સડતું નથી,પછી તે કુશળ કારીગર પાસે એવી મૂર્તિ બનાવડાવે છે જે પોતાની જગાએથી પડે નહિ કે હાલી પણ શકે નહીં.
21શું તમે અજ્ઞાત છો? તમે સાંભળ્યું નથી? તમને અગાઉથી કહ્યું નહોતું? પૃથ્વીનો પાયો કોણે નાખ્યો એ તમને ખબર નથી?
22તે તો સૃષ્ટિના નભોમંડળ પર બિરાજમાન એવા દેવ છે. એની નજરમાં તો પૃથ્વી પરના લોકો ક્ષુદ્ર કીડી જેવા છે! તેમણે આકાશને ચંદરવાની જેમ ફેલાવ્યું છે, અને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે.
23તે જગતનો ન્યાય કરે છે, તે પૃથ્વીના અધિપતિઓને વિસાત વિનાના કરી દે છે અને જગતના રાજકર્તાઓને શૂન્યમાં મેળવી દે છે.
24હજી હમણાંજ માંડ રોપાયા હોય. માંડ વવાયા હોય. માંડ તેમણે ધરતીમાં મૂળ નાખ્યાં હોય, ત્યાં તો તેમના પર તેઓ ફૂંક મારે છે અને તેઓ કરમાઇ જાય છે; વાવાઝોડું આવી તેમને તરણાંની જેમ ઘસડી જાય છે.
25વળી પવિત્ર યહોવા પૂછે છે, “તમે મારી સરખામણી કોની સાથે કરશો? મારી બરોબરી કોણ કરી શકે છે?”
26આકાશ તરફ ષ્ટિ કરો અને વિચારો કે એ બધાં ગ્રહ નક્ષત્રોને કોણે ર્સજ્યા છે? જે તેમને લશ્કરની જેમ ગણી ગણીને લઇ આવે છે અને એ બધાંને નામ દઇને બોલાવે છે તેનું સાર્મથ્ય એટલું પ્રચંડ છે, તેની શકિત એટલી પ્રબળ છે કે તેમાંનું કોઇ પણ હાજર થયા વગર રહેતું નથી.”
27તો પછી હે યાકૂબ તું શા માટે ફરિયાદ કરે છે, હે ઇસ્રાએલ! તું શા માટે કહે છે કે, “મારા માર્ગની યહોવાને ખબર નથી, હું ન્યાય માગું છું તેના પર એ ધ્યાન આપતા નથી?”
28શું તમે હજુ પણ સમજતાં નથી? હજુ પણ તમે એ જાણી શક્યા નથી કે યહોવા તે સનાતન દેવ છે, તે આ વિશાળ વિશ્વના સર્જનહાર છે, એ કદી થાકતા નથી કે હારતા નથી; તેના જ્ઞાનનો તાગ કોઇ પામી શકે તેમ નથી
29તે થાકેલા તથા નિર્ગત થયેલાંને પુષ્કળ જોર અને નિર્બળને બળ આપે છે.
30તરુણો કદાચ થાકીને હારી જાય, ભરયુવાનીમાં આવેલા પણ લથડીને પટકાઇ પડે,
31પરંતુ યહોવા પર વિશ્વાસ રાખનારાઓને નવું બળ મળી રહે છે. તેઓ ગરૂડના જેવી પાંખો ઉપર ઊડે છે; તેઓ દોડે છે પણ થાકતા નથી, તેઓ આગળ ને આગળ ધપતા રહે છે, કદી હારતા નથી કે નથી નિર્ગત થતા.