Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
26 verses
1હે દૂર દેશાવરના લોકો, ધ્યાન દઇને સાંભળો! હું જન્મ્યો તે પહેલાથી યહોવાએ મને બોલાવ્યો હતો, જ્યારે હું મારી માતાના ગર્ભમાં હતો ત્યારે જ તેણે મને નામ આપ્યું હતું.
2તેમણે મારી વાણીને મર્મભેદી તરવાર બનાવી, અને મને પોતાના હાથની છાયામાં છુપાવી દીધો. તેણે મને તીક્ષ્ણ બાણ બનાવી અને ભાથામાં સંતાડી દીધો.
3તેમણે મને કહ્યું, “તું, ઇસ્રાએલ, મારો સેવક છે, તું મારો મહિમા વધારનાર છે.”
4પરંતુ હું તો એમ વિચારતો હતો કે, “મારી મહેનત પાણીમાં ગઇ. મેં મારી શકિત નકામી, વ્યર્થ વાપરી. તેમ છતાં, મને ખાતરી છે કે, યહોવા મને ન્યાય આપશે અને તે મને બદલો આપશે.”
5“હું માતાના ગર્ભમાં હતો ત્યારથી યહોવાએ મને પોતાનો સેવક નીમ્યો હતો, જેથી હું યાકૂબના વંશજોને, ઇસ્રાએલના લોકોને, પાછા એને ચરણે લાવું. તેણે મારો મહિમા કર્યો અને મને બળ આપ્યું.” આ યહોવા કહે છે:
6“ઇસ્રાએલને મારા માટે પુન:સ્થાપિત કરવા ઉપરાંત તું વધારે કામ કરીશ, પૃથ્વીની સર્વ પ્રજાઓમાં તારણ પહોંચાડવા હું તને તેઓ માટેનો પ્રકાશ બનાવીશ.”
7જેને લોકો ધૃણાની નજરે જુએ છે, જેનો તિરસ્કાર સર્વ પ્રજાઓ કરે છે, જે અન્યાયી શાસકોનો ગુલામ છે, તેને ઇસ્રાએલનો ઉદ્ધારક પવિત્ર દેવ કહે છે, “તને જોઇને રાજામહારાજાઓ માનપૂર્વક ઊભા થઇ જશે, અને સરદારો પગે પડશે,” એકવચની, અને તને પસંદ કરનારા ઇસ્રાએલના પવિત્ર દેવને પ્રતાપે આ થશે.
8યહોવા કહે છે, “તમારો બચાવ કરવાનો સમય આવશે ત્યારે હું તમારા પ્રત્યે ભલાઇ દેખાડીશ અને તમારા સહાય માટેના પોકારો હું સાંભળીશ, હું તમારું રક્ષણ કરીશ અને સર્વ લોકો સાથેના મારા કરારના મધ્યસ્થ તમને બનાવીશ, ઉજ્જડ થયેલી જગામાં હું તમને ફરીથી વસાવીશ.
9હું બંદીવાનોને કહીશ, ‘જાઓ તમે મુકત છો!’ અને જેઓ અંધકા��માં છે તેઓને કહીશ, ‘બહાર પ્રકાશમાં આવો!’ તેઓ પર્વત પર ચરનારા ઘેટાં જેવા થશે.
10તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ; તેઓને લૂ તથા તાપ વેઠવા પડશે નહિ. કારણ કે યહોવા પોતાની ભલાઇથી તેઓને દોરતા રહેશે અને તેમને પાણીના ઝરા આગળ લઇ જશે.
11હું દરેક પર્વતને સપાટ રસ્તો બનાવી દઇશ અને દરેક માર્ગને પૂરીને સરખો કરીશ,
12જુઓ, મારા લોકો ઉત્તરના તથા પશ્ચિમના તેમજ દક્ષિણના પ્રદેશોમાંથી પાછા ફરશે.”
13હે આકાશો, હર્ષનાદ કરો; અને હે પૃથ્વી, તું આનંદ કર; હે પર્વતો, તમે જયઘોશ કરવા માંડો, કારણ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે, અને પોતાની દુ:ખી પ્રજા પર કરુણા દર્શાવી છે.
14છતાં સિયોનના લોકો કહે છે, “યહોવાએ અમારો ત્યાગ કર્યો છે, અમારો નાથ અમને ભૂલી ગયો છે.”
15પરંતુ યહોવા કહે છે, “કોઇ માતા પોતાના બાળકને કઇં રીતે ભૂલી જઇ શકે? પોતાના પેટના સંતાનને હેત કરવાનું કઇ રીતે ભૂલી જઇ શકે? કદાચ માતા ભૂલી જાય, પણ હું તને નહિ ભૂલું.
16જો, મેં તને મારી હથેલી પર કોતરી છે, અને યરૂશાલેમ નગરના કોટકાંગરાને હું સતત સંભાર્યા કરું છું.
17તને ફરી બાંધનારાઓ થોડા જ સમયમાં આવી પહોંચશે. અને તારો નાશ કરનારા સર્વને ભગાડી મૂકશે.”
18જરા ઊંચી નજર કરીને ચારે બાજુ જો! તારા લોકો કેવા ભેગા મળીને તારી પાસે પાછા આવે છે! હું યહોવા, મારા પ્રાણનાં સમ ખાઇને પ્રતિજ્ઞા કરું છું કે, “તું તેમને આભૂષણની જેમ ધારણ કરશે, અને નવવધૂની જેમ તેમના વડે તારી જાતને શણગારશે.
19તું ખેદાન-મેદાન થઇ ગઇ હતી, તું ખંડેરની ભૂમિ બની ગઇ હતી એ સાચું, પણ હવે તારા વતનીઓ માટે તારી સરહદ અત્યંત સાંકડી પડશે. અને તને ખેદાન-મેદાન કરી નાખનારાઓ તો દૂર ચાલ્યા ગયા હશે.
20દેશવટાના દિવસોમાં જન્મ ધારણ કરનારાં બાળકો પાછાં આવશે અને તેને કહેશે, ‘અમારે વધારે જગાની જરૂર છે! કેમ કે આ જગા તો ખીચોખીચ ભરાઇ ગઇ છે!’
21પછી તું મનમાં વિચાર કરશે, હું તો સંતાન વિહોણી ત્યકતા હતી, આ બધા બાળકો મને થયા શી રીતે? ‘હું તો એકલીઅટૂલી હતી, ત્યારે એમને ઉછેર્યા કોણે? એ આવ્યાં ક્યાંથી?”‘
22યહોવા મારા દેવ કહે છે, “જુઓ, હું વિદેશીઓ તરફ મારો હાથ ઊંચો કરીશ, અને લોકો તરફ મારો ધ્વજ રાખીશ. અને તેઓ તારા પુત્રોને પોતાના ખોળામાં ઊંચકીને અને તારી પુત્રીઓને ખભા પર બેસાડીને તારી પાસે પાછા લાવશે.
23રાજાઓ તેમના પાલકપિતા થશે અને તેમની રાણીઓ તેમની ધાવ થશે. તેઓ તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે અને તમારા ચરણની રજ ચાટશે; ત્યારે તું જાણશે કે, હું યહોવા છું, જેઓ મારી વાટ જુએ છે તેઓ કદી જ નિરાશ થશે નહિં.”
24શકિતશાળી માણસના હાથમાંથી શિકારને કોણ પાછો ઝૂંટવી શકે? અત્યાચારી રાજવી પાસે બંદીવાનોને મુકત કરાવવાની માગણી કોણ કરી શકે?
25પણ યહોવા કહે છે કે, “જોરાવરના હાથમાંથી લૂંટનો માલ ઝૂંટવી લેવાશે જ, અને દુષ્ટના હાથમાંથી કેદીને છોડાવાશે જ. તારી સામે જેઓ લડતા હશે તે બધાની સાથે હું લડીશ અને તારાં બાળકોને હું પોતે બચાવીશ.
26હું તારા દુશ્મનોને તેમનું પોતાનું માંસ ખવડાવીશ અને જાણે દ્રાક્ષારસ પીધો હોય એમ તેઓ પોતાનું જ લોહી પીને છાકટા બનશે, અને આખી માનવજાતને ખાતરી થશે કે હું, યહોવા તારો તારક અને ઉદ્ધારક અને યાકૂબનો મહાન પરાક્રમી દેવ છું.”