Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
23 verses
1યહોવા કહે છે, “હે ન્યાયની અપેક્ષા રાખનારાઓ, મને પ્રાપ્ત કરવા ઇચ્છનારાઓ. મારુ કહ્યું સાંભળો! જે ખડકમાંથી તમને તોડી નાખવામાં આવ્યા છે તેનો ખ્યાલ કરો, જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા છે, તેનો વિચાર કરો.
2અને હા, તમારા પૂર્વજો ઇબ્રાહિમ અને સારાનો વિચાર કરો. મેં જ્યારે તેને બોલાવ્યો ત્યારે તેને એકે સંતાન નહોતું. મેં તેને આશીર્વાદ આપ્યા અને તે એકના અનેક થયા.”
3યહોવા સિયોનને-એના ખંડેરમાં વસતા બધા લોકોને સાંત્વના આપવા માગે છે. તે તેની ઉજ્જડ થઇ ગયેલી ભૂમિને એદન જેવા ઉપવનમાં ફેરવી નાખશે. ત્યાં આનંદોત્સવ વ્યાપી જશે અને સ્તુતિનાં ગીતો સંભળાશે.
4“હે મારા લોકો, મારી વાત ધ્યાનથી સાંભળો! હે મારી પ્રજા, મારી વાત કાને ધરો! કારણકે, હું મારો નિયમ પ્રજાઓને સંભળાવું છું, અને મારો ન્યાયચુકાદો તેમને પ્રકાશ આપશે.
5હું તમને મુકિત આપવા આવી રહ્યો છું; મારો વિજય હાથવેંતમાં છે, હું પ્રજાઓ પર શાસન કરીશ; તે દરિયા કિનારાના દેશો મારી વાટ જોશે, અને મારા આગમનની તેઓ આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરશે.
6ઊંચે આકાશ તરફ જુઓ અને નીચે પૃથ્વી તરફ નજર કરો! આકાશ ધુમાડાની જેમ અલોપ થઇ જશે, અને પૃથ્વી વસ્ત્રની જેમ ર્જીણ થઇ જશે, અને તેના લોકો મચ્છરની જેમ મરી જશે. પરંતુ મારું તારણ સદાકાળ રહેશે, મારા ન્યાયનો ક્યારેય અંત નહિ આવે;
7ધર્મને ઓળખનારાઓ, મારા નિયમોને હૈયે રાખનારાઓ, મારું કહ્યું સાંભળો! લોકોના મહેણાં ટોણાંથી ગભરાશો નહિ, લોકનિંદાથી ડરશો નહિ,
8માટે જેમ જીવાત કપડાંનો નાશ કરે છે અને કંસારી ઊનને કોતરી કાઢે છે. તેમ તેઓનો નાશ થશે, પણ મારો ન્યાય સદાકાળ ટકી રહેશે અને મારું તારણ પેઢી દર પેઢી રહેશે.”
9હે યહોવાના બાહુ, જાગૃત થાઓ! ઊઠો અને સાર્મથ્યના વસ્ત્રો ધારણ ક���ો, પ્રાચીન કાળનાં, સમયો પૂવેર્ જેમ જાગ્યા હતા તેમ જાગો. જેણે રાહાબને વીંધી નાખી તેના ટુકડા કરી નાખ્યા, અને જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી?
10જેણે સાગરને, તેનાં અગાધ જળને સૂકવી નાખ્યાં, જેણે તારણ પામેલાઓને પાર ઉતારવા માટે સાગરનાં ઊંડાણોમાં થઇને માર્ગ કરી આપ્યો, તે જ તું નથી?
11હવે એવો સમય આવશે જ્યારે યહોવા દ્વારા ઉગારાયેલા સર્વ લોકો ફરીથી ગાતાં ગાતાં સિયોન પાછા આવશે. તેઓ અનંત આનંદ તથા હર્ષથી ભરપૂર થશે; દુ:ખ તથા શોક સર્વ જતાં રહેશે.
12યહોવા કહે છે, “તમને હિંમત આપનાર હું પોતે બેઠો છું. ર્મત્ય માણસથી, તરણા જેવા માણસથી ભયભીત થવાનું શું કારણ છે?”
13તમે તમારા સર્જનહાર યહોવાને ભૂલી ગયા છો, જેણે આ આકાશનો વિસ્તાર કર્યો છે અને પૃથ્વીનો પાયો નાખ્યો છે! હજી તમે આખો વખત તમારો નાશ કરવા તૈયાર થયેલા જુલમગારના રોષથી શા માટે ફફડ્યા કરો છો? એ જુલમગારનો રોષ તમને શું કરવાનો હતો?
14જેઓ બંધનમાં છે તેઓ જલદીથી મુકત થશે, તેઓ કબરમાં મરવા નહિ પામે. તેમ તેમને કદી રોટલાની ખોટ નહિ પડે.
15“હું તમારો દેવ યહોવા છું, હું સાગરને ખળભળાવીને ગર્જના કરતા મોજાં પેદાં કરું છું.” મારું નામ સૈન્યોના દેવ યહોવા છે.
16મેં આકાશને વિસ્તાર્યું છે અને પૃથ્વીનો પાયો નાખ્યો છે અને સિયોનના લોકોને કહ્યું છે કે, તમે મારી પ્રજા છો. મેં તમારા મોઢામાં મારી વાણી મૂકી છે અને મારા બાહુની છાયામાં તમને આશ્રય આપ્યો છે.”
17હે યરૂશાલેમ જાગૃત થા, જાગૃત થા, તેં યહોવાને હાથે તેના રોષનો પ્યાલો પીધો છે, તું એ પ્યાલો પૂરેપૂરો પી ગયો છે અને લથડે છે.
18તારે પેટે જન્મેલા અને તે ઉછરેલા બધા પુત્રોમાંથી એકે એવો નથી જે તારો હાથ પકડી તને માર્ગ બતાવે.
19વિનાશ અને પાયમાલી, દુષ્કાળ અને યુદ્ધ આ બે આફતો તારે માથે આવી છે ત્યારે કોણ તને દિલાસો આપે? કોણ તને હિંમત આપે?
20કારણ કે તારા પુત્રો મૂછિર્ત થઇને શેરીઓમાં પડ્યા છે. તેઓ જાળમાં ફસાયેલા હરણાંની જેમ લાચાર થયેલા છે. તારા દેવનો પુણ્યપ્રકોપ તેમના પર પૂરેપૂરો ઊતર્યો છે.
21માટે, તું જે ઘવાયેલી છે અને દ્રાક્ષારસ ન પીધાં છતાં લથડિયા ખાય છે.
22પોતાના લોકોનો પક્ષ લેનાર તારા દેવ યહોવા એમ કહે છે કે, “જો, હું તારા હાથમાંથી મારા રોષનો પ્યાલો, તને લથડિયાં ખવડાવનારનો પ્યાલો લઇ લઉં છું, હવે તારે એ પીવો નહિ પડે.
23હું તારા ત્રાસગારોના હાથમાં તે આપીશ, જેઓ તને કહેતાં હતાં કે, જમીન પર મોઢું નીચે કરીને સૂઇ જા કે, જેથી અમે તારા ઉપર થઇને જઇએ; તેં તારી પીઠને સપાટ જમીન જેવી અને તેમને ચાલવાના રસ્તા જેવી બનાવી દીધી હતી.”