Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
22 verses
1બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર જે દેશો પર રાજ્ય કરતો હતો તે સર્વ સૈન્યો સાથે ચઢી આવ્યો અને યરૂશાલેમ તથા યહૂદિયાના નગરો સાથે યુદ્ધ કર્યું. તે સમયે યમિર્યા પાસે યહોવાનો આ સંદેશો આવ્યો:
2“ઇસ્રાએલના દેવ યહોવાના આ વચનો છે: જા અને યહૂદિયાના રાજા સિદકિયાને કહે કે, આ મારાં વચન છે: ‘હું આ યરૂશાલેમ શહેર બાબિલના રાજાના હાથમાં સોંપી દેનાર છું અને તે તેને બાળી મૂકશે.
3તું જાતે ભાગી શકશે નહિ. પણ તને બંદી બનાવી લઇ જવાશે અને બાબિલના રાજાને સુપ્રત કરી દેવામાં આવશે. તારે તેને મોઢામોઢ મળવાનું થશે અને તે તારી સાથે વાત કરશે. તે તને બાબિલમાં બંધક તરીકે લઇ જશે.
4તેમ છતાં, હે યહૂદિયાના રાજા સિદકિયા, હું યહોવા કહું છું કે, તું યુદ્ધમાં મૃત્યુ પામીશ નહિ.
5પરંતુ તું તારા લોકો મધ્યે શાંતિથી મૃત્યુ પામશે. જેમ તેમણે તારા પિતૃઓ માટે કર્યું હતું તેમ તારી યાદમાં તારા લોકો ધૂપસળી બાળશે, અને તેઓ તને દિલાસો આપશે અને ગાશે કે, “અરેરે, ઓ રાજા!”‘ આ યહોવાના વચન છે.
6તેથી પ્રબોધક યમિર્યાએ આ બધું શબ્દે શબ્દ યહૂદિયાના રાજા સિદકિયાને કહી સંભળાવ્યું.
7તે સમયે બાબિલનું સૈન્ય યહૂદિયાના બાકી રહેલા કિલ્લેબંદીવાળા નગરો યરૂશાલેમ, લાખીશ અને અઝેકાહની આસપાસ ઘેરો ઘાલતું હતું.
8યહૂદિયાના રાજા સિદકિયાએ યરૂશાલેમના સર્વ ગુલામોને મુકત કરવાને લગતા કરાર કર્યા પછી યમિર્યાને યહોવાની વાણી સંભળાઇ.
9કારણ કે રાજા સિદકિયાએ ફરમાન બહાર પાડ્યું હતું કે, દરેક જણે પોતાનાં સ્ત્રી કે પુરુષ હિબ્રૂ ગુલામને છોડી દેવાના હતાં. અને કોઇએ પછી કોઇ જાતભાઇને ગુલામ રાખવાનો નહોતો.
10કરાર કરનાર બધા જ અમલદારો અને લોકો પોતાનાં સ્ત્રીપુરુષ ગુલામોને મુકત કરવા તથા તેમને હવે ગુલામ તરીકે ન રાખવા કબૂલ થયાં હતાં અને તેમણે એનું પાલન કરી તેમને છોડી મૂક્યાં.
11પાછળથી તેઓનાં મન બદલાઇ ગયાં અને તેઓએ ફરીથી પોતાના ચાકરોને ગુલામ બનાવ્યાં.
12એ વખતે યરૂશાલેમમાં યમિર્યાને યહોવાની વાણી સંભળાઇ;
13ઇસ્રાએલના દેવ યહોવાના આ વચન છે: “હું તમારા પિતૃઓને ગુલામીના દેશ મિસરની બહાર લઇ આવ્યો ત્યારે મેં તેમની સાથે કરાર કર્યો હતો કે,
14‘તમે જે જાતભાઇને ગુલામ તરીકે ખરીદેલો હોય અને જેણે છ વર્ષ તમારી ગુલામી કરી હોય, તેને તમારે સાતમે વષેર્ છોડી મૂકવો.’ પરંતુ તમારા પિતૃઓેએ મારું કહ્યું સાંભળ્યું નહિ અને તેના પર ધ્યાન પણ આપ્યું નહિ.
15મેં તમને ફરમાવ્યું હતું તે પ્રમાણે મારી ષ્ટિમાં જે યોગ્ય છે તે તમે તાજેતરમાં કર્યું છે અને તમારા ગુલામોને મુકત કર્યા છે. અને જે મંદિર મારા નામથી ઓળખાય છે તેમા તમે મારી આગળ કરાર કર્યો હતો.
16પરંતુ હવે તમે ફરી ગયા, તમે ના પાડીને મારા નામનું અપમાન કર્યું, અને તમે છોડી મૂકેલાં સ્ત્રીપુરુષ ગુલામને તમે પાછા લાવ્યાં અને ફરી ગુલામ બનાવ્યાં.
17“‘તમે મારું સાંભળ્યું નથી અને ગુલામોને મુકત કર્યા નથી. તેથી હું તમને યુદ્ધ, દુકાળ અને મરકી, તરવાર, રોગચાળો દ્વારા મૃત્યુને હવાલે કરીશ. બીજા શહેરના લોકો જ્યારે તારી સાથે શું થયું છે એ સાંભળશે ત્યારે ભયભીત થઇ જશે. યહોવા આમ કહે છે.
18જેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે તેમને હું વાછરડા જેવા બનાવીશ, જેને તેઓએ બે ટુકાડામાં કાપ્યાં હતાં અને કરાર બનાવતી વખતે તેની વચ્ચેથી પસાર થયા હતાં.
19તે લોકોને એટલે યહૂદિયાના તથા યરૂશાલેમના સરદારોને, ત્યાંના અધિકારીઓને, યાજકોને, તથા વાછરડાના બે ભાગો વચ્ચે થઇને ગયેલી દેશની સર્વ પ્રજાને.
20હું તેમનો જીવ લેવા ટાંપી રહેલા તેમના શત્રુઓના હાથમાં તેમને સોંપી દઇશ. અને તેમનાં શબ આકાશનાં પંખી અને જમીનનાં પશુઓ ખાશે.
21યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને પણ હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે એ જેઓ તેઓનો સંહાર કરવા માંગે છે તેઓના હાથમાં, ને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સુપ્રત કરીશ.
22હું હુકમ કરીશ, અને બાબિલના સૈન્યોને પાછા બોલાવીશ, તેઓ આ નગર પર હુમલો કરશે, એને જીતી લઇને બાળી મૂકશે. એ રીતે હું યહૂદિયાના નગરોને વસ્તીહીન ઉજ્જડ જગ્યા બનાવીશ.”‘ આ યહોવાના વચન છે.