Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
22 verses
1અયૂબે કહ્યું “માણસ કેવો નિર્બળ છે, તેનું આયુષ્ય અલ્પ છે અને સંકટથી ભરપૂર છે.
2જેમ ફૂલ ખીલે છે અને થોડીવારમાં કરમાઇ જાય છે, વાદળ પસાર થઇ જાય છે અને તેની છાયા જતી રહે છે મનુષ્યનું જીવન એક પડછાયા જેવું છે કે જે અહીં ટૂંકા સમય માટે રહે છે અને પછી તે અશ્ય થઇ જાય છે.
3શું આવા નિર્બળ માનવીની સામે જોવાની ચિંતા તમે કરો છો? શું ન્યાય મેળવવા માટે તેને તમારી સમક્ષ ઊભો કરવામાં આવશે?
4અશુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ વસ્તુ બનાવી શકે તો કેવું સારું! પણ એવું બનવું અશક્ય છે.
5તમે માણસના આયુષ્યના મહિનાઓ એવાં મર્યાદિત કરી નાંખ્યા છે કે તેને ઓળંગી શકે નહિ; તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે.
6તેથી દેવ અમારી સામે જોવાનું બંધ કરો. અમને એકલા રહેવા દો, દિવસને અંતે ભાડૂતી મજુરને મળતા મહેનતાણાની જેમ અમને અમારા વળતરનો આનંદ માણવા દો.
7ઝાડને પણ આશા છે. તે ભલે કપાઇ ગયું હોય; તે પાછું વિકાસ પામી શકે છે અને તેને નવાં અંકુર ફૂટી શકે છે.
8તેનાં મૂળિયા કદાચ જમીનમાં ઊગે અને તેનું થડ જમીનમાં સૂકાઇ જાય.
9તે છતાંપણ તે જો ફરતે પાણી સૂંધે તો એ નવા છોડની જેમ ડાળીઓ ઉગાડી શકે.
10પરંતુ માણસ જો મૃત્યુ પામે છે તો તે સમાપ્ત થઇ જાય છે. જ્યારે તે મરી જાય છે એ ચાલ્યો જાય છે.
11જેમ સાગરમાંથી પાણી ઊડી જાય છે, અને નદી ક્ષીણ થઇને સુકાઇ જાય છે;
12તેમ માણસ સૂઇ જઇને ક્યારેય પાછો ઊઠતો નથી; જ્યાં સુધી આકાશોનું અસ્તિત્વ ન રહે ત્યાં સુધી માણસ ફરીથી તેની ઊંઘમાંથી જાગશે નહિ.
13હું ઇચ્છું છું કે તમે મને શેઓલમાં સંતાડો, અને તમારો ક્રોધ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો, અને મને ઠરાવેલ સમય ઠરાવી આપીને યાદ રાખો તો કેવું સારું!
14માણસ મૃત્યુ પામ્યાં પછી શું તે ફરીથી સજીવન થશે ખરો? જ્યાં સુધી મને મુકત કરવામાં ન આવે ત્યાં સુધી હું રાહ જોઇશ.
15દેવ તમે મને બોલાવશો ત્યારે હું તમને જવાબ આપીશ. પછી હું જેનું તમે સર્જન કર્યું છે, તમારા માટે મહત્વનો હોઇશ.
16પછી તમે મારાં એકેએક પગલાંને નજરમાં રાખશો, પણ મારા દુષ્કૃત્યો તમને યાદ નહિ આવે.
17તમે મારા પાપોને એક થેલામાં બાંધશો, અથવા તમે મારા ગુનાઓ ઉપર ચીતરશો!
18પર્વતો પડીને નષ્ટ થાય છે, અને ખડકો પોતાની જગાએથી ચળી જાય છે.
19પથ્થરો પર સતત વહેતું પાણી તેને ઘસારો પહોચાડે છે. પાણીના પૂર પૃથ્વી પરની જમીનને ધોઇ નાખે છે અને તેવી જ રીતે દેવ, તમે મનુષ્યની આશાઓનો વિનાશ કરી નાખો છો.
20તમે મનુષ્યને સંપૂર્ણ રીતે હરાવ્યો અને પછી તે દૂર ચાલ્યો જાય છે. તમે તેને ઉદાસ બનાવીને દૂર મોકલી દો છો.
21તેના સંતાનો આદરપાત્ર થયાં છે કે નહિ, તેની તેને જાણ નથી; અથવા જો તેઓ નીચે લવાયા હોય તો અપમાનિત કરાયા હોય, એ વિષે પણ તે અજાણ છે.
22તે માત્ર પોતાના દેહનું દુ:ખ અનુભવી શકે છે અને મોટેથી પોતાના માટે રડે છે.”