Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
17 verses
1બીજે દિવસે વહેલી પરોઢે યહોશુઆ તથા બધા ઇસ્રાએલી લોકો શિટ્ટિમ શહેરમાંથી બહાર આવ્યા અને સાંજે તેઓએ નદી ઓળંગતા પહેલા યર્દન નદીના કિનારા પર મુકામ કર્યો.
2ત્રણ દિવસ પછી અધિકારીઓએ છાવણીમાં ફરીને લોકોને આજ્ઞા કરીને કહ્યું કે,
3“જ્યારે તમે લેવી યાજકોને તમાંરા દેવ યહોવાના પવિત્ર કરાર કોશને ઉપાડીને લઈ જતાં જુઓ, ત્યારે બધાંએ છાવણી છોડી તેમને અનુસરવું.
4જેથી તમને કયા રસ્તે જવું તેની ખબર પડે, કારણ, તમે આ રસ્તે પેહલાં કદી આવ્યા નથી. પરંતુ તમે પવિત્ર કરાર કોશની નજીક જશો નહિ. તમાંરી અને કરારકોશની વચ્ચે 2,000 હાથનું અંતર રાખશો.”
5યહોશુઆએ લોકોને કહ્યું કે, “તમાંરી જાતની શુદ્ધિ કરો, કેમ કે આવતી કાલે યહોવા તમાંરી મધ્યે આશ્ચર્યકૃત્યો કરશે.”
6બીજી સવારે યહોશુઓએ યાજકોને આજ્ઞા કરી, “કરાર કોશને ઉપાડી લોકોની આગળ ચાલો.” તેથી તેઓએ કરારકોશ ઉપાડ્યો અને લોકોની આગળ ચાલ્યા.
7પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “હું એવું કરીશ કે આજથી ઇસ્રાએલી લોકો તને મહાપુરુષ તરીકે ગણશે, પછી તેઓ જાણશે કે, હું જેમ મૂસાની સાથે હતો તેમ હું તારી સાથે પણ રહીશ.
8કરારકોશ લઈ જતાં યાજકોને આજ્ઞા કરો: ‘તમે યર્દન નદીના કિનારે પહોંચો પછી તમે નદીના પાણીમાં પ્રવેશો તે પહેલાં ત્યાં ઉભા રહો.”‘
9પછી યહોશુઆએ ઇસ્રાએલના લોકોને કહ્યું, “અહીં આવો અને તમાંરા દેવ યહોવા જે કહે છે તે સાંભળો.
10આજે તમે ખાતરીપૂર્વક જાણશો કે જીવંત યહોવા તમાંરી મધ્યે વસે છે. આ દેશમાં વસતી પ્રજાઓ કનાનીઓ, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝઝીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ તથા યબૂસીઓને તે અચૂક હાંકી કાઢશે અને તમે તે દેશના માંલિક થશો.
11જુઓ, સમસ્ત પૃથ્વીના યહોવાનો કરારકોશ તમાંરી આગળ યર્દન નદી ઓળંગશે.
12હવે ઇસ્રાએલના બાર કુળસમૂહોમાંથી દરેકમાંથી એક એક આગેવાન ચૂંટી કાઢો.
13આખી પૃથ્વીના પ્રભુ યહોવાને કોશ યોજકો ઉપાડશે એટલે યર્દન નદીનું વહેણ કપાઈ જશે, અને પાણી બંધની જેમ એકઠું થશે.”
14તેથી લોકો તેમના તંબુઓમાંથી બહાર નીકળ્યા અને યર્દન નદીને ઓળંગી અને યાજકોએ કરાર કોશ લીધો અને તેમની આગળ ચાલ્યા.
15આ ઋતું પાકની કાપણીની હતી. યર્દન નદી બંને કાઠે ભરપૂર વહેતી હતી. યાજકોએ યર્દન નદીને કિનારે પહોંચીને તેના પાણીમાં પગ મૂકતાં જ ઉપરવાસથી આવતું પાણી થંભી ગયું.
16પાણી બંધની જેમ પાછળ એકઠું થયું, છેક ઉદ્દગમ સ્થાન આદામ, સારેથાન પાસેનાં શહરે તરફ અને ખારા સમુદ્ર તરફ વહેતાં રોકી દેવાયા હતાં. પછી લોકોએ યરીખો નજીક યર્દન નદી ઓળંગી.
17બધા ઇસ્રાએલી લોકો સૂકી જમીન પર ચાલ્યા અને નદી પાર કરી અને યહોવાના કરારકોશને લઈ જતાં યાજકો, નદીની મધ્યમાં રોકાયા. એમ આખી પ્રજા યર્દન ઊતરી ગઈ.