Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
30 verses
1ઈસુ તેના બાર શિષ્યોને સૂચનાઓ આપ્યા પછી ત્યાંથી નીકળ્યો અને ત્યાંથી ગાલીલ નામના નગરમાં ઉપદેશ અને બોધ આપવા ગયો.
2યોહાન બાપ્તિસ્ત જેલમાં હતો. ઈસુ જે કંઈ કરતો હતો તે વિષે તેણે સાંભળ્યું એટલે યોહાને તેના શિષ્યોમાંના કેટલાએકને ઈસુ પાસે મોકલ્યાં.
3યોહાનના શિષ્યોએ આવીને ઈસુને પૂછયુ કે, “યોહાને જે માણસ વિષે કહ્યું તે આવી રહ્યો છે તે તું છે કે અમારે બીજા માણસની રાહ જોવાની છે?”
4ઈસુએ તેમને કહ્યું કે, “તમે યોહન પાસે પાછા જાવ અને અહીં જે કાંઈ જોયું અને સાંભળ્યું, તે વિષે યોહાનને જાણ કરો.
5આંધળા ફરી દેખતાં થયા છે; પાંગળા ચાલતા થયા છે; રક્તપિત્તિયા સાજા થઈ ગયા છે; બહેરા સાંભળતા થયા છે; અને મરણ પામેલા જીવનમાં ફરી બેઠા થયા છે. આ સુવાર્તા ગરીબ લોકોને જણાવવામાં આવી છે.
6જે વ્યક્તિ મારો સ્વીકાર કરવા શક્તિમાન છે તેને ધન્ય છે.”
7યોહાનના શિષ્યો પાછા ફરવા તૈયાર થયા, ઈસુએ લોકોને શું જોવા ઈચ્છો છો તે પૂછયું અને કહ્યું, “તમે ઉજજડ પ્રદેશમાં યોહાન પાસે ગયા ત્યારે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને જોવા ગયા હતા? ના!
8તો તમે ત્યાં શું જોવા ગયા હતાં? શું જેણે ખૂબ સારા વસ્ત્રો પહેર્યા હતા તેવા માનવીને? ના! આવા સુંદર કપડા પહેરે છે તે તો રાજાના રાજમહેલમાં રહે છે.
9તો પછી તમે શું જોવા ગયા હતાં? શું દેવના પ્રબોધકને જોવા ગયા હતાં? હા, હું તમને કહું છું, યોહાન તો પ્રબોધક કરતાં ઘણો અધિક છે.
10યોહાન વિષે લખ્યું છે તે આ છે:“ધ્યાનથી સાંભળો! હું મારા દૂતને તારી આગળ મોકલું છું. તે તમારા માટે માર્ગ તૈયાર કરશે.’ માલાખી 3:1
11હું તમને સત્ય કહું છું કે આજદિન સુધીમાં પૃથ્વી પર જન્મયા છે તેમાં યોહાન જેવો કોઈ ઉત્પન્ન થયો નથી, પણ આકાશના રાજ્યમાં સૌથી નાનો છે તે યોહાન કરતાં પણ મોટો છે.
12યોહાન બાપ્તિસ્તના સમયથી આજદિન સુધી આકાશનું રાજ્ય આઘાત ઝીલતું રહ્યું છે, અને હિંસક સાધનોથી તેને છીનવી લેવાના પ્રયત્નો થયા છે.
13બધાજ પ્રબોધકોએ અને નિયમશાસ્ત્રે યોહાન આવ્યો ત્યાં સુધી જે કાંઈ બનવાનું છે તે સંદેશ આપ્યો છે.
14અને જો તમે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોએ જે કહ્યું છે તે સ્વીકારતા હો તો પછી તમારે તેનો સ્વીકાર કરવો હોય તો તે અગાઉ જણાવ્યા પ્રમાણે આવનાર એલિયા તે એ જ છે.
15તમે લોકો મને સાંભળી શકો છો, તો ધ્યાનથી સાંભળો!
16“આજની પેઢીના વિષે શુ��� કહું? તેઓ કોના જેવા છે? તેઓ તો બજારમાં બેઠેલા બાળકોના જેવા છે કે જે એકબીજાને હાંક પાડે છે, હા, તેઓ તેવા જ છે.
17‘અમે તમારા માટે સંગીત વગાડ્યું, પરંતુ તમે નૃત્ય કયું નહિ; અમે તમારા માટે દર્દ ભર્યા ગીતો ગાયાં પરંતુ તમે રડ્યા નહિ.’
18યોહાન બાપ્તિસ્ત બીજાની જેમ ખાતો પીતો નથી આવ્યો તેથી લોકો કહે છે કે, ‘તેની અંદર ભૂત છે.’
19માણસનો દીકરો જે આવ્યો છે તે બીજાઓની જેમ ખાય છે. પીએ છે, ‘એના તરફ તો જુઓ! તે કેટલું બધું ખાય છે અને કેટલું બધું પીવે છે, ઉપરાંત કર ઉઘરાવનાર અને પાપીઓનો મિત્ર છે.’ પરંતુ તેનું શાણપણ પોતાના કાર્યોના પરિણામથી ન્યાયી પુરવાર થાય છે.”
20ઈસુએ જ્યાં જ્યાં તેનાં મોટા ભાગનાં પરાક્રમી કાર્યો કર્યા હતાં, તે નગરોની ટીકા કરી કારણ કે લોકો પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યા નહિ. અને પાપકર્મો કરવાનું છોડ્યું નહિ.
21ઈસુએ કહ્યું, “ઓ ખોરાઝીનતને હાય! હાય! ઓ બેથસૈદા તને હાય! હાય! જો આ પરાક્રમો મેં દુષ્ટ એવા તૂર અને સિદોનના નગરોમાં કર્યા હોત તો ત્યાંના લોકોએ પસ્તાવો કર્યો હોત અને તેમના પર ટાટ તથા રાખનાખીને બતાવ્યું હોત કે તેઓ તેમના પાપોને માટે દુ:ખી હતાં.
22પણ હું તમને કહું છું કે ન્યાયના દિવસે તૂર અને સિદોનને આકાશ જેટલી ઊંચી પદવીએ પહોંચાડાશે.
23“ઓ કફર-નહૂમ, શું તું એમ માને છે કે તને ઉચ્ચ પદ માટે આકાશમાં લઈ જવામાં આવશે?ના! તને તો હાદેસના ખાડામા નાખવામા આવશે તારામાં જે ચમત્કારો થયા તે જો સદોમમાં થયા હોત તો તે નગર આજ સુધી ટકી રહ્યું હોત.
24હું કહું કે, “ન્યાયના દિવસે સદોમની હાલત તારાં કરતા સારી હશે.”
25પછી ઈસુએ કહ્યું, “ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તારી સ્તુતિ કરું છું. તારો આભારી છું કારણ તેં જ્ઞાનીઓથી આ સત્યોને ગુપ્ત રાખીને જે લોકો નાના બાળકો જેવા છે તેમની આગળ પ્રગટ કર્યુ છે.
26હા, ઓ બાપ, આ તેં એટલા માટે કર્યુ કે તારે એ પ્રમાણે કરવું હતું.
27મારા બાપે મને બધું જ આપ્યું છે. બાપ સિવાય દીકરાને કોઈ ઓળખતું નથી અને બાપને દીકરા સિવાય કોઈ ઓળખી શકતું નથી. અને એવા લોકો જે બાપને ઓળખે છે તે એવા લોકો છે જેને દીકરો તેની પાસે બાપને પ્રગટ કરવા પસંદ કરે છે, તેઓ જ બાપને ઓળખે છે.
28“તમારામાંના જે થાકી ગયા છે અને ભારે બોજ વહન કરી રહ્યા છે તેઓ મારી પાસે આવો. અને હું તમને વિસામો આપીશ.
29તમે મારો બોજ ઉઠાવો અને મારી પાસેથી શીખો. કારણ હું દીન અને નમ્ર છું તેથી તમારા જીવમાં વિસામો પામશો.
30મારું જે કાર્ય તમને સ્વીકારવા કહું છું તે સહેલું છે અને તમારા પર જે બોજ મૂકુ છું તે ઊંચકવામાં હલકો છે.”