Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
34 verses
1યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું,
2“પ્રત્યેક ઇસ્રાએલી કુળને છાવણી માંટે પોતાનું અલગ સ્થાન હોય તથા પોતાના કુળનું અલગ નિશાન અને અલગ ધ્વજ હોય; કુળોની સર્વ છાવણીઓની મધ્યમાં મુલાકાત મંડપ રહે અને બધા જ પ્રવેશદ્વાર મુલાકાત મંડપ તરફ હોય.
3“પૂર્વની બાજુએ, સૂર્યોદય તરફ યહૂદાના કુળસમૂહના ધ્વજ નીચે આવતાં લોકોએ તેમની ટુકડી પ્રમાંણે પડાવ નાખવા. આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન રહેશે.
4તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 74,600 પુરુષો રહે.
5“એના પછી ઈસ્સાખારનું કુળસમૂહ છાવણી કરે; સૂઆરનો પુત્ર નથાનિયલ ઈસ્સાખારના પુત્રોના અધિપતિ થાય;
6તેના સૈન્યમાં તેમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 54,400 પુરુષો રહે.
7“અને ઝબુલોનના કુળસમૂહો પણ યહૂદાના કુળસમૂહોની બાજુમાં જ છાવણી કરે અને હેલોનનો પુત્ર અલીઆબ તે ઝબુલોનના પુત્રોનો અધિપતિ થાય;
8અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની ગણના થઈ છે તેવા 57,400 પુરુષો રહે.
9“યહૂદાના કુળસમૂહોની છાવણીના માંણસોની કુલ સંખ્યા 1,86,400 છે એ લોકો કૂચ કરતી વખતે પહેલા ઊપડશે.
10“દક્ષિણ બાજુએ રૂબેનના કુળની સેનાના ધ્વજ હેઠળના લોકોએ નીચેના આગેવાનો હેઠળ ટુકડીવાર છાવણી નાખવી; શદેઉરનો પુત્ર એલીસૂર તે રૂબેનના પુત્રોનો અધિપતિ થાય.
11તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 46,500 સૈનિકો તેની સાથે રહે.
12“એ પછી શિમયોનનો કુળસમૂહ તેની પાસે છાવણીમાં પડાવ નાખે; અને સૂરીશાદાયનો પુત્ર શલુમીએલ તે શિમયોનના પુત્રોનો અધિપતિ થાય;
13અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 59,300 સૈનિકો સાથે રહે.
14“અને તે પછી ગાદનું કુળસમૂહ પડાવ નાખશે; અને રેઉએલનો પુત્ર એલ્યાસાફ તે ગાદના પુત્રોનો અધિપતિ થાય;
15અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 45,650 સૈનિકો રહે.
16“રૂબેનના કુળોની છાવણીના માંણસોની કુલ સંખ્યા 1,51,450 હતી, અને તેઓ કૂચ કરતી વખતે બીજું સ્થાન લેશે.
17એ પછી પ્રથમ બે ટુકડીઓ અને પછીની બે ટુકડીઓ વચ્ચે લેવીઓ મુલાકાત મંડપને ઉપાડીને ચાલશે. પ્રત્યેક ટુકડી છાવણી નાખ્યાના ક્રમે જ ઊપડશે અને પ્રત્યેક પુરુષ પોતાના ધ્વજ હેઠળ પોતાનું સ્થાન જાળવશે.
18“પશ્ચિમ બાજુએ એફ્રાઇમના કુળસમૂહની સેનાના ધ્વજ હેઠળ તેમની ટુકડીઓ આગેવાનો હેઠળ છાવણી નાખશે; અને આમ્મીહૂદનો પુત્ર એલીશામાં તે એફ્રાઈમના પુત્રોનો અધિપતિ થાય.
19અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 40,500 સૈનિકો રહે.
20“અને તેની પાસે મનાશ્શાનું કુળસમૂહ રહે; અને પદાહસૂરનો પુત્ર ગમાંલ્યેલ તે મનાશ્શાના પુત્રોનો અધિપતિ થાય.
21અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 32,200 સૈનિકો રહે.
22“તે પછી બિન્યામીનનું કુળસમૂહ પડાવ નાખશે આગેવાન ગિદિયોનીનો પુત્ર અબીદાન તે બિન્યામીનના પુત્રોનો અધિપતિ થાય;
23અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 35,400 સૈનિકો રહે.
24“એફ્રાઈમની છાવણીમાં જે બધાની ગણના થઈ તેઓ છે, પોતાનાં સૈન્યો પ્રમાંણે, 1,08.100 છે અને તેઓ કૂચ કરતી વખતે ત્રીજા ક્રમે ચાલી નીકળે એમ ગોઠવણી કરવામાં આવે.
25“ઉત્તર બાજુએ દાનના કુળસમૂહોની સેનાના ધ્વજ હેઠળના લોકોએ તેમના આગેવાનો હેઠળ ટુકડીવાર છાવણી તેમના ભાગલા પ્રમાંણે નાખવી; આમ્મીશાદાયનો પુત્ર અહીએઝેર તે દાનના પુત્રોનો આગેવાન છે.
26અને તેના સૈન્યમાં નોંધણી થઈ હોય તેવા 62,700 સૈનિકો છે.
27“અને તેની પાસે આશેરના કુળસમૂહો છાવણી કરે; અને ઓક્રાનનો પુત્ર પાગીએલ તેનો અધિપતિ થાય;
28અને તેના સૈન્યમાં નોંધણી થઈ છે તેવા 41,500 સૈનિકો છે.
29પછી તફતાલીના કુળસમૂહો; અને એનાનનો પુત્ર અહીરા તે નફતાલીના પુત્રોનો અધિપતિ થાય.
30અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 53,400 સૈનિકો રહે.
31“દાનના કુળોની છાવણીના માંણસોની કુલ સંખ્યા 1,57,600 હશે, તેઓ કૂચ કરતી વખતે છેલ્લા રહેશે.”‘
32ઇસ્રાએલ પ્રજાની કુટુંબવાર નોંધણી કરવામાં આવી ત્યારે તેમની સંખ્યા 6,03,550 હતી.
33યહોવાએ મૂસાને આજ્ઞા કરી તે પ્રમાંણે આ ગણતરી કરવામાં આવી ત્યારે લેવીઓને ગણવામાં આવ્યા નહોતા.
34યહોવાએ મૂસાને કહ્યું હતું તે જ પ્રમાંણે બરાબર વ્યવસ્થા થઈ. તેઓ પોતપોતાના સમૂહના ધ્વજ હેઠળ છાવણી નાખતા. અને કૂચ કરતી વખતે પ્રત્યેક વ્યક્તિ પોતાના કુળસમૂહની ટુકડીમાં પોતાના સ્થાને જ રહેતા.