Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
23 verses
1હે દેવ, મારી પ્રાર્થનાને સાંભળો; મારી દયા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહિ.
2હે યહોવા, મને ધ્યાનથી સાંભળો; ને મને ઉત્તર આપો; હું શોકને કારણે અશાંત છું; અને વિલાપ કરું છું.
3દુશ્મનો મારી સામે બૂમો પાડી રહ્યાં છે. તેઓએ મને ધમકી આપી ગુસ્સામાં અને ધિક્કારથી મારા પર હુમલો કર્યો. તેઓ મારા ઉપર તકલીફો લાવ્યા.
4મારા હૃદયમાં ઘણી વેદના થાય છે, અને મૃત્યુની ધાકે મારા પર કબજો જમાવ્યો છે.
5મારું શરીર ભયથી ધ્રુજે છે, હું ભયથી ઘેરાઇ ગયો છું.
6મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું! કે હું દૂર ઊડી શકત અને વિશ્રામ કરત.
7હું રણમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત.
8વિનાશકારી પવનનાં તોફાનથી હું ઉતાવળે નાસીને આશ્રયસ્થાને પહોંચત.
9હે યહોવા, આ દુષ્ટજનોમાં અંદરો અંદર ગેરસમજ ઊભી કરો, મેં એકબીજાની વિરુદ્ધ નગરમાં હિંસક ઝગડા જોયાં છે.
10આખા શહેરમાં રાત-દિવસ હિંસા અને ઉપાધિ છે, શહેરમાં ક્રૂરતા અને દુષ્ટતા પ્રવતીર્ રહી છે.
11નગરમાં કેવાં વિનાશકારી પરિબળો સક્રિય છે! જ્યાં જુઓ ત્યાં રસ્તામાં છેતરપિંડી તથા જુલમ છે.
12મને મહેણાં મારનાર કે નિંદા કરનાર, મારા શત્રુ ન હતા; એ તો મારાથી સહન કરી શકાત; મારી વિરુદ્ધ ઊઠનાર મારો વેરી ન હતો, નહિ તો હું સંતાઇને નાસી છૂટયો હોત.
13પણ તે તો તમો છે મારા જેવા માણસ, મારા મિત્ર ને મારા સાથીદાર છો.
14આપણે એકબીજાની સાથે સુખે વાતો કરતાં હતાં. અને જનસમુદાય સાથે દેવના મંદિરમાં જતા હતા.
15એકાએક તેમના પર મોત આવો, તેઓ જીવતા જ શેઓલમાં ઉતરી પડો, કારણ, તેઓનાં ઘરોમાં પાપ થાય છે, તેઓનાં અંતરનાં ઊંડાણોમાં દુષ્ટતા છે.
16હું તો દેવને પોકાર કરીશ, તેથી યહોવા મારું તારણ કરશે.
17પણ હું, મારા દુ:ખમાં; સવારે બપોરે ને રાત્રે દેવને સાદ કરીશ; અને તે મારી પ્રાર્થના સાંભળશે.
18હું ઘણા યુદ્ધોમાં લડ્યોં છું; પરંતુ દેવે હંમેશા મને બચાવ્યો છે અને મને સુરક્ષિત રીતે પાછો લાવ્યો છે.
19દેવ અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે, તે તેઓને તેઓના શબ્દો સાંભળીને નમાવશે, તેઓ યહોવાનો ભય રાખતાં નથી ને પોતાના માર્ગ પણ બદલતાં નથી.
20તેઓએ તેમનાં મિત્રો પર હુમલો કર્યો છે, તેઓએ તેમની સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.
21તેના શબ્દો છે માખણ જેવાં સુંવાળા,પણ તેનું હૃદય યુદ્ધનાં વિચારોથી ભરેલુ છે. શબ્દો તેલ કરતાય વધુ નરમ છે, પણ તે શબ્દો છરીની જેમ કાપે છે.
22તમારી ચિંતાઓ યહોવાને સોંપી દો, અને તે તમને નિભાવી રાખશે, તેઓ ક્યારેય સદાચારી લોકોને પરાજીત થવા દેતા નથી.
23હે દેવ, તમે મારા શત્રુઓને વિનાશની ખાઇમાં ધકેલી દો છો. ખૂની-કપટી પોતાનું અડધું આયુષ્ય પણ નથી ભોગવી શકતાં. પરંતુ મારા રક્ષણ માટે તો હું તમારા પર ભરોસો રાખીશ.