Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
15 verses
1ઓ શરમ વગરના લોકો! તમે સાથે મળી ભેગા થાઓ.
2ચુકાદાનો સમય આવે અને ઊડી જતાં ફોતરાની જેમ દિવસ પસાર થઇ જાય તે પહેલા તમને યહોવાનો રોષ સખત રીતે ઇજા પહોંચાડે તે પહેલા, યહોવાના રોષનો દિવસ તમને પકડી પાડે તે પહેલાં તમે એકત્ર જાઓ!
3દેશના સર્વ નમ્ર લોકો યહોવાને શોધવાનો પ્રયત્ન કરે છે, તમારામાંથી જેઓ તેની આજ્ઞા પ્રમાણે કરે છે, જે સાચું હોય તે કરો, નમ્રતા પ્રાપ્ત કરવા મથો: તો કદાચ યહોવાના રોષને દિવસે તમને આશ્રય મળશે.
4કારણ કે ગાઝાને તજી દેવામાં આવશે, ને આશ્કલોન વેરાન થઇ જશે. આશ્દોદના લોકોને ખરે બપોરે હાંકી કાઢવામાં આવશે, અને એક્રોનનો ઉચ્છેદ કરવામાં આવશે.
5સમુદ્રકાંઠે રહેનારા પલિસ્તીઓને અફસોસ! હે પલિસ્તીઓના દેશ કનાન, યહોવાનું વચન તમારી વિરૂદ્ધ છે; હું તમારો એવી રીતે નાશ કરીશ કે તમારામાંની એક પણ વ્યકિત તમારા દેશમાં રહેશે નહિ.
6દરિયાકાંઠો ઢોર ચરાવવાનું ચરાણ બની જશે. ફકત ભરવાડના ઝૂંપડા અને ઘેટાઁબકરાઁ રાખવાની છાપરી જ રહેશે.
7કાંઠાનો પ્રદેશ યહૂદાના રહ્યાંસહ્યાં લોકોના હાથમાં જશે. તે લોકો ત્યાં ઘેટાઁબકરાઁ ચરાવશે અને સાંજે આશ્કલોનના ઘરોમાં સૂઇ જશે, કારણ, તેમના દેવ યહોવા ફરીથી તેમનું ભાગ્ય ફેરવી નાખનાર છે.
8યહોવા કહે છે, “મોઆબે કરેલી નિંદા અને આમ્મોનીઓએ મારી પ્રજાના કરેલા અપમાન મેં સાંભળ્યાં છે. તથા તેની ભૂમિ તેઓએ પચાવી પાડવાની કોશિષ કરી છે.
9તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, મારા જીવના સમ, હવે મોઆબ અને આમ્મોનના હાલ સદોમ અને ગમોરાના જેવા થશે; એ સદાને માટે મીઠાની ખાણ અને ઝાંખરાવાળો ઉજ્જડ પ્રદેશ બની જશે, મારા અતિજીવીઓ તે ભૂમિનો કબજો લેશે અને તેમાથી લૂંટનો માલ લેશે.”
10તેઓના અભિમાનનો બદલો તેઓને મળશે, કારણકે તેઓએ સૈન્યોનો દેવ યહોવાના લોકોનું અપમાન કર્યુ હતું અને તેઓ સામે ઉદ્ધતાઇ કરી હતી.
11યહોવા તેમના માટે ડરામણા બની જશે. તે પૃથ્વીના બધા દેવોને હતા ન હતા કરી નાખશે, અને પછી જ દૂરના દરિયાકાંઠાના પ્રદેશના લોકો પોતપોતાના દેશમાં તેમની આરાધના કરશે.
12એજ રીતે કૂશીઓ પણ તેમની તરવારથી માર્યા જશે.
13તે ઉત્તરમાં પોતાનો બાહુ લંબાવી આશ્શૂરનો નાશ કરશે. નિનવેહને ઉજ્જડ અને રણ જેવું સૂકુંભઠ્ઠ બનાવી દેશે.
14અને દરેક જાતનાં જંગલી પ્રાણીઓના ટોળાં ત્યાં વાસો કરશે. તેના થાંભલા પર વિસામો કરશે, તેમના અવાજો બારીમાંથી આવશે, વિનાશ દરવાજે આવી ગયો છે. દેવદારના થાંભલાઓ ઊઘાડા પડી ગયાં છે.
15સમૃદ્ધ ગણાતું અને સુરક્ષિત નગર પોતાના માટે ગર્વથી કહેતું હતું, “મારા જેવું મહાનગર બીજું એક પણ નથી.” હવે તે નગરની સામે જુઓ, તે કેવું વેરાન થઇ ગયું છે! વળી તે પશુઓના રહેવાનું સ્થાન થઇ ગયું છે! તેની પાસે થઇને જનાર દરેક માણસ મશ્કરી કરશે, અને પોતાની મુઠ્ઠી હલાવશે.