Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
17 verses
1દેવે કહ્યું, “હે મનુષ્યના પુત્ર, એક મોટી ઇંટ લઇ તારી સામે મૂક, અને તેના પર યરૂશાલેમનો નકશો દોર.
2પછી તેને ઘેરો ઘાલ, તેના ફરતે ખાઇ બનાવ, હુમલો કરવા માટે માટીના ગઢ ઊભા કર. છાવણી ઊભી કર અને ચારે બાજુ કોટનો નાશ કરવાના યંત્રો ગોઠવ.
3વળી એક લોખંડની તાવડી લઇ, તારી અને નગરની વચ્ચે લોખંડની ભીત તરીકે આડી મૂક, શહેરની તરફ મોઢું કર, શહેરને ઘેરો ઘાલેલો છે અને ઘેરો ઘાલનાર તું છે. ઇસ્રાએલીઓને માટે આ એક સંકેત છે.
4“પછી તારા ડાબા પડખે સૂઇ જા, અને તારે ઇસ્રાએલનાં લોકોના અપરાધની ઘોષણા કરવી પડશે, તું જેટલા દિવસ ડાબે પડખે સૂઇ રહેશે તેટલા દિવસ ઇસ્રાએલના પાપોના અપરાધની ઘોષણા કરવી જોઇશે.
5મેં તેઓના પાપોના વરસોની સંખ્યા નક્કી કરી છે જેવી રીતે તારા માટે દિવસોની સંખ્યા નક્કી કરી છે. તેથી ત્રણસોને નેવું દિવસ સુધી તું ઇસ્રાએલ પ્રજાના અપરાધની ઘોષણા કરશે.
6“આ પ્રમાણે કર્યા પછી તારે તારા જમણા પડખે સૂઇ જવું અને યહૂદિયાના લોકોના પાપોની ઘોષણા કરવી. દરેક વરસને માટે એક દિવસ એમ 40 દિવસ તારે માટે મેં ઠરાવ્યા છે. તેટલા દિવસો સુધી યહૂદાના પાપો અને અપરાધની ઘોષણા કરજે.”
7“ત્યાર બાદ તારે યરૂશાલેમના ઘેરા તરફ એકીટશે જોઇ રહેવું. અને એ શહેરના વિનાશનું ભવિષ્ય ભાખવું.
8હું તને દોરડાં વડે બાંધી દઇશ, જેથી ઘેરો પૂરો થતાં સુધી તું એક પડખેથી બીજે પડખે ફરી નહિ શકે.”
9“ત્યારપછી તારે, ઘઉં, જવ, વટાણા, ચોળા, મઠ અને બાજરીનો લોટ લઇ એક જ વાસણમાં નાખી તેમાંથી રોટલા બનાવવા. જ્યારે તું ત્રણસોને નેવું દિવસ સુધી સૂઇ રહીશ ત્યારે તારે ફકત એ જ ખાવાનું છે.
10તારે દરેક વખતે ભોજન તોળીને ખાવું પડશે. તને દરરોજ એક કપ લોટની રોટલી બનાવીને. દિવસ દરમ્યાન નક્કી કરેલા ચોક્કસ સમયે તું ખાઇ શકીશ.
11તારે જળપાન પણ માપીને જ કરવું, આખા દિવસના બે પ્યાલા.
12તારે બધાની હાજરીમાં માણસનો સુકાયેલો મળ સળગાવવો અને તેના ઉપર જવના રોટલાં શેકવા.”
13યહોવા જાહેર કરે છે કે “ઇસ્રાએલીઓને હું જે દેશોમાં બંદીવાન તરીકે લઇ જઇશ ત્યાં ��ેઓ આ રીતે અશુદ્ધ થયેલો ખોરાક ખાશે!”
14પણ મેં કહ્યું, “હે યહોવા મારા માલિક, મેં મારી જાતને કદી અભડાવી નથી. મેં બાળપણથી આજ સુધી કદી કુદરતી રીતે મૃત્યુ પામેલું કે કોઇ જંગલી પશુએ મારી નાંખેલું પ્રાણી ખાધું નથી, મેં કદી નિયમશાસ્ત્ર દ્વારા નિષિદ્ધ ખોરાક મોંમા મૂક્યો નથી.
15ત્યારે તેમણે મને કહ્યું, “હું તને માનવમળને બદલે છાણાં ઉપર રોટલા શેકવાની છૂટ આપું છું.”
16એટલે તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું યરૂશાલેમનો અનાજનો ભંડાર ખાલી કરી નાખનાર છું, ત્યાંના લોકો ચિંતામાંને ચિંતામાં તોળી તોળીને ખાશે અને ભયના માર્યા માપી માપીને પાણી પીશે. બધા જ ભયભીત થઇ જશે.
17હું ખોરાક અને પાણીની અછત ઊભી કરીશ, પછી તેઓ હતાશ થઇ જશે અને પોતાના પાપોને કારણે તેઓ કરમાઇ જશે અને વેડફાઈ જશે.