Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
15 verses
1યહોવા મારો ખડક છે, તેની સ્તુતિ કરો; તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે; તે મને યુદ્ધ માટે પ્રશિક્ષણ આપે છે.
2તે મારો ગઢ છે; મારો કિલ્લો છે; મારું સાર્મથ્ય અને મારી સુરક્ષા છે; તે મારા રક્ષક છે; તે મારા લોકોને મારે તાબે કરે છે. યહોવા મારો સાચો પ્રેમ છે.
3હે યહોવા, શા માટે તમે લોકોને મહત્વના ગણો છો? તમે માણસોની નોંધ પણ શા માટે લો છો?
4લોકોના જીવન તો પવનના સૂસવાટા જેવા હોય છે. લોકોના જીવન તો પસાર થઇ રહેલા પડછાયા જેવા હોય છે.
5હે યહોવા, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો; એટલે તેઓ ધુમાડામાં ફેરવાઇ જશે.
6વીજળી ચમકે અને મારા શત્રુઓ વિખેરાઇ જાય. તમારા “બાણ” ચલાવીને તેઓને વીધી મૂકો.
7સ્વર્ગમાંથી નીચે ઊતરી આવો અને મને શત્રુઓના સમુદ્રમાંથી ઉગારો, મને બહાર ખેચી કાઢો, અને વિદેશીઓથી મને બચાવો.
8તેઓ જૂઠું બોલે છે, તેઓ છેતરપિંડી કરે છે.
9હે યહોવા, દશ તારવાળાં વાજીંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઇશ, તમારી સ્તુતિનું ગીત ગાઇશ.
10તે રાજાઓને તારણ આપે છે; તે પોતાના સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવનાર છે.
11આ શત્રુઓથી; આ જૂઠાઓથી; મારી રક્ષા કરો; આ વિદેશીઓ જે છેતરપિંડી કરે છે તે લોકોથી તમે મને ઉગારો.
12અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અમારી પુત્રીઓ રાજમહેલના શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
13અમારી વખારો વિવિધ જાતના બધાં અનાજથી ભરપૂર થાઓ; અને તે અમને હંમેશા મળતું રહે. અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારોને દશ હજારો બચ્ચાં જણનાર થાઓ.
14અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ; અમારા નગર પર શત્રુઓનું આક્રમણ ન થાઓ; સર્વત્ર શાંતિ વિસ્તરો; શેરીઓમાં કોઇ અપરાધ ન કરો.
15જે પ્રજાનું આ સત્ય વર્ણન છે; તે પ્રજાને ધન્ય હો. જે પ્રજાના દેવ યહોવા છે તેઓને ધન્ય છે.